Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ઓક્‍સિજનની કટોકટી વચ્‍ચે મધ્‍યપ્રદેશના ભોપાલમાં IISERના રિસર્ચરો દ્વારા સસ્‍તુ ઓક્‍સિજન કન્સટ્રેટર ડેવલપ કર્યું

ભોપાલ: દેશભરમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર વચ્ચે દિલ્હી સહિત વિવિધ રાજ્યોના હોસ્પિટલોમાં ઑક્સિજન ખૂટતા અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યાં છે. જેમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક સસ્તુ કન્સટ્રેટર તૈયાર કર્યું છે. જેનો ખર્ચો પણ વધારે નથી અને તે ઝડપથી ઑક્સિજન તૈયાર કરે છે. મધ્ય પ્રદેશના ભોપાલ સ્થિત IISERના રિસર્ચરોએ આ સસ્તું ઑક્સિજન કન્સટ્રેટર ડેવલોપ કર્યું છે.

રિસર્ચરોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીની વર્તમાન સ્થિતિ વચ્ચે આ કન્સટ્રેટર મેડિકલ ઑક્સિજનની વધતી જતી માંગને પૂરી કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે એવા સમયે જ્યારે અનેક રાજ્યોની હોસ્પિટલોમાં ઑક્સિજનની કમીના સમાચારો સામે આવી રહ્યાં છે અને આ માટે શક્ય તમામ પગલા ભરવામાં આવી રહ્યાં છે.વૈજ્ઞાનિકો દ્વારા ડેવલોપ કરવામાં આવેલું આ કન્સટ્રેટર આ કમીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

વૈજ્ઞાનિકોએ આ ઉપકરણને “ઑક્સિકૉન” નામ આપ્યું છે. જેનો ખર્ચ 20 હજાર રૂપિયા કરતાં પણ ઓછો છે. આ “ઑક્સિકૉન” 3 લીટર પ્રતિ મિનિટના દરે 93 થી 95 ટકા સુધી શુદ્ધ ઑક્સિજન આપી શકે છે.

હાલ ઑક્સિજન ઉત્પન્ન કરવા માટે જે સંશાધનો છે, તેનો ખર્ચો 60 થી 70 હજાર રૂપિાય છે. જેની સરખામણીએ “ઑક્સિકૉન”નો ખર્ચો ઘણો ઓછો ગણી શકાય. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ઑક્સિજનની કમીને દૂર કરવાના ભાગ રૂપે ખાસ “ઑક્સિકૉન”ને તૈયાર કરવામાં આવ્યું છે.

IISERના ડિરેક્ટર શિવ ઉમાપતિએ જણાવ્યું કે, “ઑક્સિકૉન” નામનું આ ઉપકરણ ઓપન-સોર્સ ટેક્નોલોજી અને સંશાધનોનો ઉપયોગ કરીને ડેવલોપ કરવામાં આવ્યું છે. એક વખત મંજૂરી મળ્યા બાદ તેની પોર્ટેબિલિટીના કારણે તેને નાના ગામડાથી લઈને શહેરો સુધી ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તેનો ઉપયોગ પણ કરી શકાશે.

મહામારીની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેર ખૂબ જ ઘાતક છે. જે ઝડપથી ફેલાય છે અને અનેક લોકોને ઈમરજન્સી ઑક્સિજનની જરૂર પડે છે. આથી દેશભરમાં ઑક્સિજન સિલિન્ડરો અને કન્સટ્રેટરોની આવશ્યક્તા છે. આ માંગ થોડા સમયમાં ઝડપથી વધી છે. નવું ડેવલોપ કરવામાં આવેલું “ઑક્સિકૉન” નાનું અને એક ઠેકાણેથી બીજા ઠેકાણે સરળતાથી લઈ જઈ શકાય છે.

જણાવી દઈએ કે, ઓપર સોર્સ ટેક્નોલોજી એક એવા સોફ્ટવેર આધારિત હોય છે. જ ઉપયોગ, ડિસ્ટ્રીબ્યૂશન અને બદલાવ માટે સ્વતંત્ર હોય છે અને તેનો ખર્ચો ફણ ઘણો ઓછો હોય છે.

(5:24 pm IST)