Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

હૃદય દ્રાવક તસવીર : એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાને પહોંચ્યો દીકરો

આગ્રા,તા. ૨૬:  ઉત્ત્।ર પ્રદેશના આગ્રામાં પણ કોરોના વાયરસનો કહેર ચાલુ છે. અહીં સતત મોતનો આંકડો વધી રહ્યો છે. આ દરમિયાન હોસ્પિટલમાં બેડ અને ઓકિસજનની અછત તો છે જ, સાથે સાથે એમ્બ્યુલન્સની પણ અછત છે. એટલું જ નહીં, કોરોનાને કારણે થઈ રહેલા ટપોટપ મોત બાદ સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવી પડી રહી છે. આ દરમિયાન આગ્રામાંથી એક તસવીર સામે આવી છે. આ તસવીરે બધાને ભાવુક કરી દીધા છે. સાથે સાથે આ તસવીરે તંત્રની પણ પોલ ખોલી નાખી છે.

હકીકતમાં પિતાના મોત બાદ એક વ્યકિતને મૃતદેહને સ્મશાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. જે બાદમાં વ્યકિતએ પિતાના મૃતદેહને પોતાની કારની છત પર બાંધી દીધો હતો અને સ્મશાન ખાતે પહોંચ્યો હતો. આ ઘટનાને જેણે પણ નજરે જોઈ તેઓ ભાવુક થઈ ગયા હતા.

કોરનાકાળમાં સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાનઘાટ પહોંચેલા વ્યકિતએ પણ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પછી જયારે વારો આવ્યો ત્યારે દીકરાએ પિતાના મૃતદેહને કારની છત પરથી ઉતારીને અંતિમ સંસ્કાર કર્યાં હતાં. આ દરમિયાન હાજર લોકોની આંખમાંથી આંસુ છલકાયા હતા.

ઉલ્લેખનીય છે કે આગ્રા ઉત્ત્।ર પ્રદેશના એ શહેરમાં શામેલ છે જયાં કોરોના વાયરસ ખૂબ જ બેકાબૂ બની ગયો છે. આ કારણે દરરોજ અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.

(2:56 pm IST)