Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમેરિકા - ફ્રાંસ - બ્રિટન - કેનેડા સહિતના દેશોએ ભારતને મદદ કરવા તૈયારી દર્શાવી : પાકિસ્તાને પણ કરી ઓફર

કોરોનાના વધતા કેસને કાબુમાં લેવા વિશ્વના દેશો ભારતની પડખે

નવી દિલ્હી તા. ૨૬ : ભારતમાં કોરોના વાયરસ બેકાબુ બની ગયો છે. સતત કેસ વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોના પ્રભાવિત રાજ્યોમાં બેડ - ઓકસીજન - વેન્ટીલેટર અને રેમડેસિવિરની અછત જોવા મળી રહી છે જેને દુર કરવા સરકાર હરસંભવ પ્રયાસ કરી રહી છે ત્યારે પાકિસ્તાન સહિતના દેશો જેમ કે અમેરિકા - ફ્રાંસ - જર્મની - બ્રિટન - કેનેડા સહિતના દેશોએ ભારતની મદદ કરવા તૈયારી દર્શાવી છે.

ભારતમાં ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિને નીપટવા ફ્રાંસ - કેનેડા - અમેરિકા સહિતના દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે.

બ્રિટને ભારતને ૬૦૦થી વધુ ઉપકરણો મોકલવાની જાહેરાત કરી છે. વેન્ટીલેટર અને ઓકસીજન કન્સેટ્રેટરની પહેલી ખેપ રવાના પણ થઇ ગઇ છે.

સિંગાપુર અને સાઉદી અમેબિયાએ પણ ઓકસીજન પહોંચાડવાની જાહેરાત કરી છે.

અમેરિકા પણ ભારતને મદદ કરવા તૈયાર છે. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું હતું કે, ભારતે અમારી મદદ કરી હતી અમે પણ મદદ કરવા તૈયાર છીએ. ફ્રાંસે પણ ઓકસીજન આપવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનના વિદેશમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર તે ભારતમાં જરૂરી મેડિકલ સામાન આપવા માટે તૈયાર છે. પાકિસ્તાને કહ્યું કે કોરોના વાયરસ મહામારીના આ સંકટમાં તે ભારતની સાથે છે. મદદ માટે વેન્ટિલેટર, બાઇપેપ મશીન, એકસ રે મશીન, PPE કીટ અને અન્ય મેડિકલ સામાન આપવા માટે તૈયાર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશો સાથે મળીને આ મહામારી સામે લડવાના સંભાવિત પ્રયાસ શોધી રહ્યા છે.  નોંધનીય છે કે આ પહેલા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને પાકિસ્તાનના વિદેશમંત્રીએ પણ કોરોના સંકટમાં ભારત સાથે ઊભા હોવાનું ટ્વિટ કર્યું હતું. પાકિસ્તાનના ઈધી ટ્રસ્ટ દ્વારા ૫૦ એમ્બ્યુલન્સ આપવાની રજૂઆત કરવામાંઆ આવી છે અને તે માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવામાં આવ્યો છે. આ સિવાય પાકિસ્તાની સોશ્યલ મીડિયામાં પણ લોકો ભારતના લોકો માટે દુઆ માંગી રહ્યા છે અને પાકિસ્તાનના ટ્વિટરમાં ભારતની મદદ માટે હેશટેગ ટ્રેન્ડ પણ થયા હતા.

નોંધનીય છે કે ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે ઘણા બધા દેશોએ પણ ભારત તરફ મદદનો હાથ આગળ વધાર્યો છે. રશિયાથી લઈને ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવા દેશોએ ભારતને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

(10:54 am IST)