Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અખ્તરે પોતાના ફેન્સને ભારતની મદદ કરવા માટે અપીલ કરી

અખ્તરે ભારતના સમર્થનમાં વીડિયો શેર કર્યો છે : સ્વરા ભાસ્કરે પાક.ના પૂર્વ ફાસ્ટ બોલરનો આભાર માન્યો

નવી દિલ્હી, તા. ૨૫ : ભારતમાં કોરોના વાયરસનું (corona virus) એક નવુ રૂપ જોવા મળી રહ્યું છે. દેશમાં આસરે સાડા ત્રણ લાખ નવા કેસ આવ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૭૬૭ લોકોના મૃત્યુ થયા છે. નિષ્ણાંતો પ્રમાણે આ વખતે કોરોનાનો નવો વેરિએન્ટ વધુ ખતરનાક છે અને મોત પણ વધુ થઈ રહ્યા છે. તેવામાં ભારતની સાથે પાડોશી દેશ પાકિસ્તાન પણ આવી ગયો છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે ભારતના સમર્થનમાં એક વીડિયો શેર કર્યો છે. શોએબે પોતાના ફેન્સને આ વાયરસ પર કાબૂ મેળવવામાં ભારતની મદદ માટે કહ્યુ છે. શોએબ અખ્તરે ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યુ હતુ- ભારત કોવિડ-૧૯ સાથે સંઘર્ષ કરી રહ્યુ છે. વૈશ્વિક સમર્થનની જરૂર છે. હેલ્થ કેર સિસ્ટમ પડી ભાંગી છે. આ મહામારી છે. આપણે બધા સાથે છીએ. એકબીજાનું સમર્થન કરવુ જોઈએ.

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે શોએબ અખ્તરનું સમર્થન કર્યુ છે. સ્વરાએ શોએબનો આભાર માનતા ટ્વીટ કર્યુ, આભાર શોએબ અખ્તરજી આ શબ્દો અને માનવતા માટે. દિલથી ધન્યવાદ..

આ પહેલા સુરેશ રૈનાએ પણ કોરોનાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. રૈનાએ ટ્વીટ કર્યુ હતુ, ભારત આજે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. સ્વાસ્થ્ય સેવાઓ ધીમે-ધીમે નબળી પડી રહી છે. આપણા નજીકનાને તેના સામે જંગ લડતા જોતા દુખથી ઓછુ નથી. મારી બધાને વિનંતી છે કે જેણે ઘરમાં રહેવાનો નિર્ણય લીધો છે મહેરબાની કરી ઘરમાં રહો.

(12:00 am IST)