Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મોદીની પાસે માત્ર ૩૮૦૦૦ રૂપિયાની રોકડ છે : અહેવાલ

નામાંકન વેળા એફિડેવિટમાં વિગત આપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોન્ડમાં પણ મૂડીરોકાણ કર્યું

વારાણસી, તા.૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અહીં અંતિમ તબક્કામાં ૧૯મી મેના દિવસે મતદાન થનાર છે. ઉમેદવારીપત્ર ભરતી વેળા મોદીએ એફિડેવિટ દાખલ કરીને સંપત્તિની વિગત પણ જાહેર કરી હતી. મોદીએ તમામ પ્રકારની માહિતી આપી હતી. તેમની પાસે ૩૮૦૦૦ રૂપિયાની રોકડ રકમ હોવાની વાત કરવામાં આવી છે. વડાપ્રધાને શપથપત્રમાં તેમના પત્ની જશોદાબેનના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. એફિડેવિટ મુજબ મોદીની કુલ સ્થાવર-જંગમ મિલકત ૨,૫૧,૩૬,૧૧૯ રૂપિયા છે જ્યારે ૨૦૧૪માં કરેલ એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ ૧,૬૫,૯૧,૫૮૨ રૂપિયા હતી. મોદીએ ૨૦૧૪માં ગાંધીનગર સ્થિત ઘરની કિંમત ૧ કરોડ રૂપિયા ગણાવી હતી, જે આ વખતે ૧.૧૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ૪ સોનાની વિંટીની કિંમત ૧,૧૩,૮૦૦ રૂપિયા બતાવી છે. ૨૦૧૪માં ૪૫ ગ્રામની આ વિંટીની કિંમત ૧,૩૫,૦૦૦ બતાવી હતી. એટલે કે આ વખતે તેની કિંમત ૨૧,૨૦૦ રુપિયા ઘટી ગઈ છે. મોદીના ગાંધીનગર સ્થિત એસબીઆઈ બેંકના ખાતામાં ૪,૧૪૩ રૂપિયા છે. એફડીમાં ૧,૨૭,૮૧,૫૭૪ રૂપિયા, એનએસસી ૭,૬૧,૪૬૬ રૂપિયા અને એલઆઈસી ૧,૯૦,૩૪૭ રૂપિયા છે. મોદીના એક કંપનીના ૨૦ હજાર રૂપિયાના શેર્સ છે. જો કે તેમની પાસે કેશ માત્ર ૩૮,૭૫૦ રૂપિયા જ છે. વડાપ્રધાન મોદી ઉપર કોઈ ક્રિમિનલ કેસ નથી. તેમના પર કોઈ લોનની જવાબદારી નથી. નરેન્દ્ર મોદીએ તેમની કુલ સંપત્તિ વિશે સપ્ટેમ્બરમાં માહિતી આપી હતી. આ માહિતી પીએમઓની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી માહિતી પ્રમાણે મોદીની ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીની કુલ સ્થિર સંપત્તિ ૧ કરોડ ૨૮ લાખ ૫૦ હજાર ૪૯૮ રૂપિયા હતી. જ્યારે અસ્થિર સંપત્તિ પણ અંદાજે એક કરોડ જેટલી છે. અસ્થિર સંપત્તિમાં ૪૮,૯૯૪ રૂપિયા રોકડા હતા. ત્યારે ભારતીય સ્ટેટ બેન્કની ગાંધીનગર શાખામાં ૧૧ લાખ ૨૯ હજાર ૬૯૦ રૂપિયા હતા. મોદીના નામે એક એફડી પણ છે જે ૧ કરોડ ૭ લાખ ૯૬ હજાર ૨૮૮ રૂપિયા હતી. ચાર તબક્કામાં ૫૩૭૮ ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. તેના આધાર પર તેમની એવરેજ સંપત્તિ ૪.૫૦ કરોડ નોંધવામાં આવી છે.

(9:39 pm IST)