Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મોટા ચુકાદાની સાથે સાથે...

ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવા તૈયારી

અમદાવાદ,તા. ૨૬ : વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજે બહુ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને દોષિત જાહેર કર્યો હતો. હવે કોર્ટ દ્વારા તા.૩૦મી એપ્રિલના રોજ આ કેસમાં સજાનું એલાન કરવામાં આવશે. કોર્ટે નારાયણ સાંઇ સહિત કુલ પાંચ આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા.

 

ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારીશું: પ્રવક્તા

આસારામ આશ્રમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અદાલતના ચુકાદાને સન્માન આપીએ છીએ પરંતુ અમારા બાપુ નિર્દોષ છે. નીચલી અદાલતનો ચુકાદો અંતિમ ચુકાદો નથી હોતો ન્યાય પ્રણાલીમાં અમને ઉપલી અદાલતમાં ચુકાદો પડકારવાની છૂટ છે. અમે આ ચુકાદાનો અભ્યાસ કરી તેને ઉપલી અદાલતમાં પડકારીશું.

નારાયણ સાંઇ સામે દુષ્કર્મ, લાંચ સહિતના ગુના નોંધાયા છે

વર્ષ ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે નાસતા ફરતાં નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો હતો. બાદમાં નારાયણ સાંઇ સામે સમગ્ર કેસ ફોડવા માટે રૂ.૧૩ કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાના કેસ નોંધાયા હતાં.

૧૦ વર્ષથી આજીવન કેદ સુધીની સજાની શક્યતા

સુરતની સેશન્સ કોર્ટ નારાયણ સાંઈ સામેના કેસમાં આજે ચુકાદો આપ્યો છે. છ વર્ષ સુધી લાંબો ટ્રાયલ ચાલ્યા બાદ આખરે ચુકાદો આવતાં નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જેની સજા તા.૩૦ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવનાર છે. નારાયણ સાંઈને ૧૦ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પોલીસે આ કેસમાં દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, લાંચ અને રાયોટિંગ સહિતના ગુના નોંધ્યા હતા.

(7:37 pm IST)