Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મધ્‍યપ્રદેશની ઘટના

અ..ર..ર.. માત્ર ૯૦૦૦ રૂપિયાની લોન ભરી નહિ શકતા ખેડૂતનો આપઘાત

ભોપાલ તા. ૨૬ : દેશમાં ખેડૂતોની આત્‍મહત્‍યા ચિંતાનો વિષય બની ગઈ છે. રિપોર્ટ અનુસાર ૨૦૧૭ અને ૧૮માં ૧૦ જેટલા ખેડૂતોએ આત્‍મહત્‍યા કરી હતી. તાજેતરમાં જ મધ્‍યપ્રદેશના છિંદવાડામાં એક ખેડૂતે આત્‍મહત્‍યા કરી હતી.

મેઘસિવની ગામના અકડુ ઉઈકે નામના ખેડૂતે તેના ખેતરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધો હતો. તેની પત્‍નીએ કહ્યું કે તેણે સ્‍થાનિક શાહુકાર પાસેથી દીકરીના લગ્ન માટે રૂ. ૯૦૦૦ ઉધાર લીધા હતા અને તે ફરી ચૂકવી શકે તેમ ન હોવાથી તેણે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

છેલ્લા ચાર વર્ષથી તેમનો પાક નિષ્‍ફળ જતો હતો અને ખેડૂત આ વાતથી નાસીપાસ થઈ ગયો હતો. ખેડૂતની પત્‍ની સાકલબાટીએ જણાવ્‍યું, ‘મને પૈસાની ઉધારીનો કોઈ વાંધો નહતો. અમારો એક દીકરો છે. તે હોંશિયાર છે અને સારુ ભણે છે. મને લાગ્‍યું કે સમય જતા પૈસા ચૂકવી દઈશું. શાહુકારે પણ અત્‍યાર સુધી પૈસાની વાત નહતી કરી.'ઉલ્લેખનીય છે કે સત્તા પર આવ્‍યા બાદ કોંગ્રેસના મુખ્‍ય મંત્રી કમલ નાથે ખેડૂતોની લોન માફ કરવાની ઘોષણા કરી હતી. તેમના ચૂંટણી ઢંઢેરામાં આ એક મોટું વચન હતું. સરકાર પાસેથી કોઈ મદદ મળી છે કે કેમ તે અંગે પૂછાતા ખેડૂતની પત્‍નીએ કહ્યું, ‘અમને તેના માટે શું કરવું તે ખ્‍યાલ નથી. અમે આજસુધી ક્‍યારેય ક્‍યાંય નથી ગયા.' અત્‍યારે આ મામલે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે છિંદવાડામાં ૨૯ એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન છે.

(4:41 pm IST)