Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શેર, ઈન્સ્યોરન્સથી લઈને બેન્કોમાં પડયા છે ૭૦,૦૦૦ કરોડ લાવારીસ

કોઈ લેવાલ જ નથીઃ વિમા કંપનીઓમાં ૧૬૦૦૦ કરોડ તો વિવિધ બેન્કોમાં ૨૦૦૦૦ કરોડ જમા છે

નવી દિલ્હી, તા. ૨૬ :. તમને જાણીને નવાઈ લાગશે કે વિવિધ સંસ્થાઓમાં ૭૦,૦૦૦ કરોડ રૂ. લાવારીસ પડયા છે. આટલી મોટી રકમના કોઈ દાવેદાર નથી. આનુ કારણ એ છે કે, અનેક લોકો શેર ખરીદી, પોસ્ટ ઓફિસ સ્કીમ કે બેન્ક ખાતામાં જમા કરી દીધા પછી કે વિમો ખરીદી ભૂલી ગયા છે. બીજુ કારણ એ છે કે અનેક લોકોએ પૈસા જમા કરાવવાનું શરૂ કર્યુ પરંતુ પાકે ત્યાં સુધી રોકાણ ચાલુ ન રાખ્યું. આજ રીતે અનેક લોકોના મોત થયા અને તેના પરિવારોને જમા રકમની માહિતી નથી. આ સ્થિતિમાં અલગ અલગ જગ્યાએ જમા રકમના કોઈ દાવેદાર સામે નથી આવ્યા.

૨૪ જીવન વિમા કંપનીઓ પાસે વિમા ધારકોને ૧૬૦૦૦ કરોડ રૂ. લાવારીસ પડયા છે જેના ૭૦ ટકા એટલે કે ૧૦૫૦૯ કરોડ રૂપિયા માત્ર એલઆઈસીના છે, તો ૨૪ બીનજીવન વિમા કંપનીઓ પાસે ૮૪૮ કરોડ જમા પડયા છે. વિવિધ બેન્કોમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા લાવારીસ છે. દેશની વિવિધ પોસ્ટ ઓફિસમાં ૯૩૯૫ કરોડના કોઈ દાવેદાર નથી. આઈઈઈપીએફમાં ૭ વર્ષમાં લાવારીસ પડેલી કંપનીઓના ઘોષિત નફા અને શેર ટ્રાન્સફર કરવામાં આવેલ છે. આ ફંડમાં કુલ ૪૧૩૮ કરોડ જમા છે. આ સિવાય વિવિધ કંપનીઓમાં ૨૧૨૩૨ કરોડ જમા છે. આમ આ બધી રકમને જોડવામાં આવે તો ૭૦,૦૦૦ કરોડ રૂપિયા જમા છે. પીયરલેસ જનરલમાં લોકોએ ૧૫૦૦ કરોડ રોકયા છે પરંતુ કોઈ લેવાલ નથી.

(4:55 pm IST)