Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સહકારી બેંકોની MSME સ્કીમમાંથી બાદબાકીઃ RBIની નીતિ સામે રોષ

સ્કોબાએ લેખિતમાં RBIના ગવર્નરને રજૂઆત કરી : RBI સહકારી બેંકો સાથે ભેદભાવભરી નીતિ અપનાવતી હોવાનો કરાયેલો આક્ષેપ

મુંબઇ, તા.૨૬: નાના તથા મધ્યમ કક્ષાના ઔદ્યોગિક એકમોને એમએસએમસી સ્કીમ હેઠળ આપવામાં આવતી લોનમાં સહકારી બેંકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી ઉઠી છે. તેના કારણે સ્કોબા દ્વારા આરબીઆઇના ગવર્નરને લેખિતમાં રજૂઆત કરી આ સ્કીમમાં સહકારી બેંકો પણ લોન આપી શકે તેવી વ્યવસ્થા કરવા માટે માંગણી કરી છે.

માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હેઠળ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને એક મિનિટમાં લોન આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમાં જે પણ બેંક નાના ઉદ્યોગોને લોન આપે તેઓને ૨ ટકા વ્યાજમાં રાહત ઉદ્યોગોને આપવામાં આવે  છે, પરંતુ આ સ્કીમમાં રિઝર્વ બેંક દ્વારા ભેદભાવભરી નીતિ  અપનાવવામાં આવી હોવાની વાત સ્કોબા (ધી સાઉથ ગુજરાત કો.ઓપરેટવિ બેંકસ એસોસિએશન લિમિટેડ) દ્વારા કરવામાં આવી છે. કારણ કે એમએસએમઇ સ્કીમ હેઠળ ફકત રાષ્ટ્રીયકૃત અને કોમર્શિયલ બેંક જ લોન આપી શકે છે. જયારે સહકારી બેંકો આ સ્કીમ હેઠળ લોન આપી શકતી નથી. જયારે રાષ્ટ્રીયકૃત અને કોમર્શિયલ બેંકમાં જ એનપીએની ટકાવારી વધુ હોય છે. તેની સામે સહકારી બેંકમાં એનપીએની ટકાવારી માંડ ૨ ટકાથી પણ ઓછી હોવા છતાં આ સ્કીમમાંથી બાકાત રાખવામાં આવી છે. જેથી તાત્કાલિક આ સ્કીમમાં સહકારી બેંકોનો સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આ અંગે સ્કોબાના પ્રમુખ મુકેશ ગજજરે જણાવ્યું હતું કે આરબીઆઇના ગવર્નરને  લેખિતમાં રજૂઆત કરીને એમએસએમઇ સ્કીમમાં સહકારી બેંકોનો સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો તેની મંજૂરી આપવામાં આવે તો સમગ્ર દેશની સહકારી બેંકો પણ આ સ્કીમ હેઠળ નાના ઉદ્યોગકારોને લોન આપી શકશે. જયારે ગુજરાત અર્બન કો.ઓપરેટિવ ફેડરેશન અને સુરત પીપલ્સ બેંકના ડિરેકટર નરેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે સહકારી બેંકોમાં નાના ઉદ્યોગકારો લોન લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. તેથી આ નિયમમાં સુધારો કરવામાં આવે તો નાના ઉદ્યોગકારોને લોનનો લાભ ઝડપથી આપી શકાતો હોય છે. જેથી તાત્કાલિક તેમાં સુધારો કરવામાં આવે તો નાના ઉદ્યોગકારોને સારો એવો લાભ થઇ શકે તેમ છે.

(5:07 pm IST)