Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જમ્મુમાં કાલે 'દરબાર' થશે બંધ, હવે ૬ મે એ શ્રીનગરમાં ખુલશે

દર ૬ મહિને ઠંડી-ગરમીની સીઝનમાં વર્ષોથી ચાલી આવતી પ્રથા મુજબ રાજધાની જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ ફેરવવામાં આવે છે : ૧૪૬ વર્ષ જૂની આ પ્રથા બદલવાની કોઈ સરકાર હિંમત કરતી નથીઃ આર્થિક તકલીફો વેઠી રહેલુ રાજ્ય આ ફેરબદલ પાછળ ૭૦૦ થી ૮૦૦ કરોડ ખર્ચી નાખે છે

જમ્મુ, તા. ૨૬ :. ચોંકાવનારી બાબત છે કે હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં 'રાજસી પ્રથા' ચાલુ છે. દર ૬ મહિનામાં મોસમમાં આવતા બદલાવની સાથે રાજધાનીને બદલવાની પ્રથા પુરી નથી કરવામાં આવી. એટલે જ ગરમીની સીઝનમાં રાજધાની જમ્મુથી શ્રીનગર ચાલી જાય છે અને ૬ મહિના પછી ઠંડી શરૂ થતાની સાથે જ રાજધાની જમ્મુ આવી જાય છે. રાજધાની બદલાવાની આ પ્રથાને રાજ્યમાં 'દરબાર મુવ'થી ઓળખવામાં આવે છે. જો દર વર્ષે આના ખર્ચના આંકડાઓ જોડવામાં આવે તો લગભગ ૮૦૦ કરોડ રૂપિયા આ પ્રક્રિયામાં પાણીમાં જાય છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા રાજ્યમાં આ પ્રથા બંધ કરવાની હિંમત કોઈ કરતુ નથી. આ વખતે જમ્મુમાં 'દરબાર' ૨૬ એપ્રિલ એટલે કે કાલથી બંધ થશે અને ૬ મે ના ઉનાળુ રાજધાની શ્રીનગરમાં ખુલશે.

બે રાજધાનીઓવાળા જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફતી સરકારનો દરબાર રાજધાની જમ્મુમાં શુક્રવારે બપોરે ૬ મહિના માટે બંધ થઈ જશે. મહારાજાના સમયથી આ પ્રક્રિયા ચાલી આવે છે. જે કાશ્મીરમાં રચાતી આવતી સરકારોએ ચાલુ રાખી છે. હવે રાજ્ય સચિવાલય અને રાજભવન ઓકટોબર મહિનાના અંત સુધી શ્રીનગરમાં ચાલશે.

આતંકવાદનો સામનો કરી રહેલા જમ્મુ-કાશ્મીરમાં રાજધાનીનો ફેરફાર સફળતાપૂર્વક પુરો કરવો એ પણ મોટી ચેલેન્જ હોય છે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સચિવાલય પોતાના ૩૫ વિભાગો અને બહારના પણ લગભગ એટલા જ વિભાગોના મળી ૧૫૦૦૦ કર્મચારીઓ શ્રીનગર રવાના થશે. સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ રવાના થશે. શ્રીનગરમાં આ કર્મચારીઓને સરકારી આવાસો અને હોટેલોમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવે છે. તંગદિલીના દોરમાંથી પસાર થઈ રહેલા કાશ્મીરમાં આ ફેરફાર ૩૦૦ કરોડ જેટલી આર્થિક વિડંબણાઓ વધારે છે. સુરક્ષા ખર્ચ મેળવીને ૭૦૦ થી ૮૦૦ કરોડનો ખર્ચ થાય છે. દરબાર મુવની આ પ્રક્રિયા બન્ને રાજધાનીઓમાં સ્થાયી કરવા પાછળ પણ અત્યાર સુધીમાં અબજો રૂપિયાનો ખર્ચ થઈ ચૂકયો છે. દરેક સરકાર વિભાગો અને સચિવાલયોનો રેકોર્ડ ટ્રકોમાં લાદી જમ્મુ-શ્રીનગર પહોંચાડવા દરમિયાન નુકશાન પણ થાય છે. દર મહિને ૨૦૦૦ના હિસાબથી ૨૪૦૦૦ રૂપિયા ટેમ્પરરી મુવ ટ્રાન્સફર એલાઉન્સ રૂપે કર્મચારીઓને મળે છે. રાજ્યમાં ૧૪૬ વર્ષ જૂની આ ફેરબદલની વ્યવસ્થા હજી પણ ચાલુ જ છે. દરબારને પોતાના વર્ચસ્વવાળા ક્ષેત્રમાં લઈ જવુ કાશ્મીર કેન્દ્રિત સરકારોને અનુકુળ રહે છે એટલે આ વ્યવસ્થામાં કોઈ બદલાવ લાવવામાં આવ્યો નથી.

(4:42 pm IST)