Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અમેરિકામાં ઓરી અછબડાના કેસ વિક્રમજનક સંખ્યાએ પહોંચ્યા

યહુદીઓમાં ફેલાયેલ રસી અંગેની ગેરમાહિતી મુખ્ય કારણ

નવી દિલ્હી :૨૦૧૯માં અમેરિકામાં ઓરી અછબડાના કેસો છેલ્લા રપ વર્ષમાં વિક્રમ જનક સંખ્યાએ પહોંચ્યા છે. તેના માટેનું મુખ્ય કારણ માતા પિતાઓમાં રસી અંગેની ખોટી માહિતી હોવાનું જણાવાઇ રહ્યું છે.

ન્યુયોર્ક શહેરના આરોગ્ય અધિકારીઓએ બુધવારે જાહેર કર્યું હતું કે ગયા સપ્તાહમાં ૬૧ નવા કેસો નોંધાયા હતા. ૨૦૧૪માં સૌથી વધુ ૬૬૭ અછબડાના કેસનો આંકડો ૨૦૧૯ના ચાર મહિનામાં પાર થઇ ગયો છે. છેલ્લા રપ વર્ષમાં અછબડાના કેસનો આ આંકડો સૌથી વધુ છે.

આ વર્ષે નોંધાયેલ અછબડાના કેસમાંથી પોણાભાગના કેસ ન્યુયોર્ક રાજ્યમાં નોંધાયા છે. તેમાંથી પણ મોટાભાગના કેસ યહુદીઓની  બે એકદમ જુનવાણી જાતિઓમાં જ થયા છે. જે મોટાભાગે બ્રુકલીન અને રોકલેન્ડ કાઉન્ટીમાં રહે છે.

 કેસની સંખ્યા હજી પણ વધવાની શકયતાઓ છે. અછબડા બહુ ચેપી રોગ છે અને તે દર્દીની છીંક અથવા ગળફા દ્વારા હવામાં ફેલાય છે. તેના લક્ષણોને દેખાવામાં લગભગ ૧૦ થી ૧૨ દિવસનો સમય લાગ ેછે. અત્યારે યહુદીઓના પાસઓવર તહેવારના જમણવારો ચાલી રહ્યા છે.

૧૯૬૦માં શોધાયેલી અછબડાની રસી આજે પણ એટલી જ સુરક્ષીત અને અસરકારક ગણાય છે અને એટલે જ ૨૦૦૦ની સાલમાં અમેરિકાને ઓરી અછબડા  મુકત જાહેર કરવામાં આવ્યું હતું પણ હવે તે પાછો ફર્યો છે.

કેટલીક અમેરિકન જાતિઓમાં રસીકરણનો દર અત્યંત ઓછો છે. કારણ કે તેના વિષે સોશ્યલ મીડિયા દ્વારા ખોટી માહિતીઓ ફેલાયેલી છે. અમુક જાતિઓમાં એવી માન્યતા ફેલાયેલી છે કે ઓરી, અછબડા અને રૂબેલાની રસીના કારણે બાળકોમાં ઓટીઝમ નામની માનસિક બિમારી ઉત્પન્ન થાય છે જો કે તે ખોટી પુરવાર થઇ છે.

લોસ એંજલસના જાહેર આરોગ્ય વિભાગના ભૂતપૂર્વ વડા ડો. જોનાથન ફીલ્ડીંગ કહે છે કે ઘણા લોકો આ રસીથી ડરે છે અને તેમને ખોટુ શંુ છે અને સાચું શું છે તે સમજાવવું બહુ અઘરૂ છે.

ઘણા લોકો આને જીવલેણ નથી માનતા, તેના સામાન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી પડવું, કફ, તાવ અને શરીર પર ફોડલીઓ થવી વગેરે છે. જો કે અમુક લોકોને ન્યુમોનિયા અને મગજમાં સોજો આવવો જેવી તકલીફો પણ થઇ શકે છે. ઉપરાંત ઓરી અછબડાના કારણે ગર્ભવતી સ્ત્રીઓને વહેલી પ્રસૃતિની તકલીફ પણ થઇ શકે છે.(ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:11 pm IST)