Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

આવતા મહીનાથી આધાર વગર ખરીદી શકાશે સીમકાર્ડ

ડીઝીટલ કેવાય સી સીસ્ટમ થશે કાર્યરત સુપ્રિમ કોર્ટના આદેશો પર તૈયાર કરાઇ પ્રણાલી

નવી દિલ્હી તા.૨૬: નવું સીમકાર્ડ લેવા માટે આધાર વગર ડીઝીટલ કેવાયસી સીસ્ટમ તૈયાર કરી લેવાઇ છે. પહેલી મેથી તેને દેશભરમાં અમલી બનાવી દેવામાં આવશે. તેના દ્વારા નવું સીમ ખરીદનાર ગ્રાહકનું વેરીફીકેશન કરીને તેનો નંબર એક થી બે કલાકમાં જ ચાલુ કરી દેવામાં આવશે.

સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશો પછી મોબાઇલ કંપનીઓએ આ નવી સીસ્ટમ તૈયાર કરી છે. તેને દુરસંચાર વિભાગની ગાઇડલાઇન અનુસાર તૈયાર કરવામાં આવી છે. અત્યારે તો આ સિસ્ટમનું પરિક્ષણ ચાલી રહ્યું છે.

ડીજીટલ વેરીફીકેશન કરવામાં આવશે

નવા દિશા-નિર્દેશો અનુસાર નવું સીમકાર્ડ આપતા પહેલાએપ દ્વારા ગ્રાહકોનું ડીજીટલ વેરીફીકેશન કરવું પડશે બધી કંપનીઓએ એપનું લાયસંસવાળુ વર્ઝન પોતાના સ્ટોરમાં અથવા રજીસ્ટર્ડ દુકાનદારોને આપવું પડશે. આ એપ યુઝર નેમ અને પાસવર્ડ દ્વારાજ ચાલશે જેથી માહિતી મળી શકશે કે આ એપ દ્વારા કોણે કોણે અને કયારે વેરીફીકેશન કરીને નવો નંબર વેચ્યો છે અને એકટીવેટ કર્યો છે.

એડ્રેસ-આઇડી પ્રુફ આપવા પડશે

મોબાઇલ ગ્રાહકે પોતાનું ઓરીજીનલ એડ્રેસ અને આઇડી પ્રુફ દસ્તાવેજો સાથે વિક્રેતાને આપવું પડશે. વિક્રેતા ત્યારેજ ગ્રાહકનો એક ફોટો પાડશે અને તેને એપમાં રહેલ ડીજીટલ કસ્ટમરફોર્મમાં અપલોડ કરી દેશે. તે ફોટાની સાથે લોકેશન, યુનિક આઇડી નંબર, દિવસ, સમય અને તારીખ જેવી જરૂરી માહિતી પણ અપલોડ કરવી પડશે જેથી જાણ થઇ શકે કે કયારે, કઇ જગ્યાએ અને કોણે ફોટો અપલોડ કર્યો છે. ગ્રાહકના દસ્તાવેજોનો પણ ફોટો પાડવામાં આવશે અને તેને પણ એપ પર અપલોડ કરવામાં આવશે.

એક દિવસમાં ફકત બેજ સીમ

વિભાગે કહ્યું છે કે એક દિવસમાં એક આઇડી પર ફકત બેજ સીમ આપી શકાશે. અત્યારે એક આઇડી પર કુલ ૯ સીમ આપી શકાય છે. નવી વ્યવસ્થા હેઠળ રાજ્યની બહાર રહેતા અને વિદેશી ગ્રાહકોને પણ ફાયદો થશે. રાજ્યની બહાર રહેતા લોકો માટે ઓટીપી લોકલ રેફરન્સ નંબર પર મોકલવામાં આવશે.

(11:29 am IST)