Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

લોકસભાની ચૂંટણીની સાઇડ ઇફેકટ

૨૮ બિલિયન ડોલરનો હીરાનો વ્યવસાય ઠપ્પ

૧લી મેથી અનેક મેન્યુ. એકમો બંધ થશે : ૯ લાખ લોકોની રોજીનો પ્રશ્ન : આંગડીયાઓએ કેશ - હીરાની હેરફેર બંધ કરતા માર્કેટ ઉપર ગંભીર અસર

નવી દિલ્હી તા. ૨૬ : લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે ચૂંટણીની ગરમાગરમીના આવા માહોલમાં નવેક લાખ લોકોને રોજગાર પૂરો પાડતા હીરાના વ્યવસાયને ગંભીર અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. દેશભરમાં ફેલાયેલા આ વ્યવસાયની કરોડરજ્જુ ગણાતી આંગડિયા-સર્વિસ ચૂંટણીને લીધે દોઢેક મહિનાથી બંધ હોવાને લીધે ધંધો ઠપ થઈ ગયો છે. રોકડ રકમથી માંડીને હીરાની હેરફેર આંગડિયાઓ જ કરે છે. ચૂંટણીની આચારસંહિતા અને વિવિધ સરકારી તપાસ-એજન્સીઓ દ્વારા થતી કનડગતથી દેશની મોટા ભાગની આંગડિયા ઓફિસોએ કામકાજ બંધ કરી દીધાં છે એથી મંદીનો સામનો કરી રહેલા હીરાબજાર પર ચૂંટણીનું ગ્રહણ લાગતાં મુંબઈ-સુરતના અનેક મેન્યુફેકચરરોએ ૧ મેથી વેકેશન પાડવાનો ઙ્ગનિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આથી ભારતભરમાં આ વ્યવસાય પર નભતા નવેક લાખ લોકોના રોજગાર સામે પ્રશ્ન ઊભો થવાની શકયતા છે.ઙ્ગ

 

ડાયમન્ડ માર્કેટમાં દિવાળી બાદ મંદીનો જ માહોલ છે. હીરાનું વેચાણ ઘટી ગયું હોવાથી અનેક મેન્યુફેકચરરોએ પ્રોડકશનમાં ઓલરેડી કાપ મૂકી દીધો છે. કોઈ ઓર્ડર મળે તો પણ આંગડિયા બંધ રહેવાથી મુંબઈથી સુરત, દિલ્હી કે બેન્ગલોર સહિતનાં વેપાર-કેન્દ્રોમાં હીરા મોકલવાનું અશકય બની ગયું છે.ઙ્ગદહિસરના વર્ધમાન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં હીરા-પોલિશનું કામકાજ કરતા એક હીરાના વ્યવસાયીએ જણાવ્યું હતું કે 'સામાન્ય રીતે દિવાળી બાદ માર્કેટ ધીમે-ધીમે ખૂલવા માંડે છે અને એકાદ મહિનામાં રફતાર પકડી લે છે, પરંતુ આ વખતે દિવાળી વીત્યાને પાંચ મહિના થયા બાદ પણ હીરાની માગ નથી નીકળી. કાચા હીરાના ભાવમાં પણ વધારો થયો છે અને તૈયાર હીરા વેચાતા નથી. આવી સ્થિતિમાં કામકાજ ચાલુ રાખવાનું મુશ્કેલ બની ગયું હોવાથી અમે ૧ મેથી વેકેશન પાડવાનો ઙ્ગનિર્ણય લીધો છે.' સામાન્ય રીતે જૂન-જુલાઈમાં પાલનપુરના હીરાના વેપારીઓ વેકેશન પાડે છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રના મેન્યુફેકચરરોએ પણ મંદીને લીધે કારખાનાં બંધ રાખવાનો ઙ્ગનિર્ણય લીધો છે.તામિલનાડુનાં સદ્ગત મુખ્ય પ્રધાન જે. જયલલિતાએ નવેમ્બર ૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરી હતી ત્યારે સ્મોલ અને મીડિયમ રેન્જના +૧૧ સાઇઝના હીરા ખરીદ્યા હતા. આ હીરાનો સ્ટોક ફેબ્રુઆરી ૨૦૧૯માં તામિલનાડુના બ્રોકરો દ્વારા માર્કેટમાં ૩૦ ટકા ડિસ્કાઉન્ટમાં ઠલવાતાં બજારમાં પ્રાઇસ-વોરની સ્થિતિ પેદા થઈ હતી. આ સમયે અનેક વ્યવસાયીએ કામકાજ ચાલુ રાખવા માટે નીચા ભાવે માલ વેચવો પડ્યો હતો.લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં તપાસ-એજન્સીઓ અને પોલીસ દ્વારા આંગડિયાના વ્યવહાર પર નજર રાખવામાં આવી રહી છે એ વિશે નામ ન જાહેર કરવાની શરતે એક આંગડિયા કંપનીના માલિકે જણાવ્યું હતું કે 'તપાસ-એજન્સી, ચૂંટણીની ફલાઇંગ સ્કવોડ અને પોલીસ અમારા દરેક વ્યવહાર પર શંકા કરીને હેરાન કરવા માંડતાં અમે કામકાજ બંધ કરી દીધું છે. રોકડ રકમની સાથોસાથ હીરાની હેરફેર પણ અમારા માધ્યમથી થાય છે. હીરા કીમતી હોવાથી પોલીસ-તપાસ દરમ્યાન પેકેટ આમતેમ થઈ જાય તો અમારે લાખો રૂપિયાનું નુકસાન થાય એવી સ્થિતિને લીધે પણ અમે કામ બંધ કરી દીધાં છે.'

હીરાનું પ્રોડકશન બંધ કરવામાં આવશે તો મુંબઈ અને સુરત સહિત દેશભરમાં આ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકોના રોજગાર પર અસર પડશે. એકાદ મહિનો કામકાજ બંધ રહે તો ફરીથી પ્રોડકશન શરૂ કરવામાં સમય લાગતો હોવાને લીધે બાદમાં હીરાની માગ નીકળે તો વેપારીઓ માટે પહોંચી વળવાનું મુશ્કેલ બનશે.

જેમ્સ એન્ડ જવેલરી સેકટર ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વનો રોલ અદા કરે છે. જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં ડાયમન્ડ પેનલના મેમ્બર રસેલ મહેતાએ જણાવ્યું હતું કે 'આપણા દેશમાં ૨૮ બિલ્યન ડોલરનો હીરાનો વ્યવસાય છે. લાખો લોકોને આ ક્ષેત્રમાં રોજગાર મળે છે. ભારતમાં પોલિશ્ડ હીરા મોટા ભાગે એકસપોર્ટ થાય છે.' (૨૧.૬)

(11:27 am IST)