Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સપા-બસપાની રેલીમાં સાંઢનો તરખાટ

એક વ્યકિત ઘાયલઃ અખિલેશે ડીજીપીને કર્યો ફોન

કનોજ તા. ર૬ :.. ઉત્તર પ્રદેશના કનોજમાં ગઇકાલે સમાજવાદી પાર્ટીની રેલીમાં એક સાંઢે તરખાટ મચાવ્યો હતો. જણાવવામાં આવે છેકે સપાના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભુતપુર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની પત્નિ ડીમ્પલ યાદવના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી આવવાના હતા તે વખતે તેમનું હેલિકોપ્ટર લેંડ થાય તે પહેલા ત્યાં એક સાંઢ ઘુસી ગયો હતો, જેણે ત્યાં આતંક મચાવી દીધો હતો.

કનોજના તિરવામાં અખિલેશના હેલિકોપ્ટરને જે હેલીપેડ પર ઉતરવાનું હતું ત્યાં એક સાંઢ ઘુસી આવવાથી, આખી રેલીમાં ભાગા ભાગી થઇ ગઇ હતી. સાંઢનો આતંક એટલો બધો હતો કે તેમનું હેલિકોપ્ટર પણ નીચે નહોતું  ઉતરી શકયું અને હેલિપેડ પર હવામાં ઉડતું રહ્યું હતું. સાંઢને પકડવા પોલીસે ઘણી મહેનત કરવી પડી હતી. પોલીસની સાથે પક્ષના કાર્યકરો અને ફાયર બ્રિગેડ પણ સાંઢને પકડવામાં ધંધે લાગ્યું હતું. લગભગ અડધી કલાકની મહેનત પછી સાંઢ મહા મુશ્કેલીએ પકડાયો હતો અને તેને હેલીપેડ અને મેદાનમાંથી બહાર લઇ જવાયો હતો. સાંઢને પકડવાની કાર્યવાહીમાં એક વ્યકિત ઘાયલ પણ થયો હતો.

રેલીમાં સાંઢ ઘુસી ગયો હોવાના સમાચાર જયારે અખિલેશને મળ્યા તો તેમણે ડીજીપી ઓ. પી. સિંહને ફોન કરીને આખી વાત જણાવી હતી. પોતાના વકતવ્યમાં તેમણે સાંઢનો ઉલ્લેખ તો નહોતો કર્યો પણ તેમણે જાહેરાત કરી હતી કે જે વ્યકિત ઘાયલ થયેલ છે તેનું  ચૂંટણીના પરિણામો પછી સન્માન કરવામાં આવશે.

અખિલેશે ટવીટર પર ભાજપા પર હૂમલો કરતા લખ્યું કે, 'ર૧ મહીનામાં અમે એક્ષપ્રેસ વે બનાવ્યો હતો પણ છેલ્લા ર વર્ષમાં પ્રજા પ કરોડ આવારા પશુઓથી હેરાન થઇ ગઇ છે. જો સરકાર રાજકીય કાર્યક્રમોમાં સાંઢ ને ન રોકી શકતી હોયતો ગરીબ ખેડૂતોની હાલત કેવી હશે તે તો  લોકો જ જાણતા હશે.'

(4:54 pm IST)