Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પોલીસ દળમાં મહિલા શકિતને પ્રોત્સાહનઃ સાપ્તાહિક રજાની જોગવાઈ

ગુજરાતમાં પોલીસ રીફોર્મ્સના અમલની તૈયારીઃ પોલીસને વધુ કાર્યક્ષમ બનાવવા ૨૫ જેટલા સુધારાઓ સૂચવાયાઃ કમીટીનો રીપોર્ટ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને અભિપ્રાયો માટે મોકલાયોઃ મહિલા પોલીસ કર્મચારીને મહત્વની કામગીરી સોંપવા ભલામણઃ ઈન્સ્પેકટરથી નીચેની રેન્કના કર્મચારીને સાપ્તાહિક રજા આપવા પણ સૂચનઃ ૧૨ કલાકની બે શિફટને બદલે ૮ કલાકની ૩ શિફટ રાખવા પણ સલાહ

અમદાવાદ, તા. ૨૬ :. ગુજરાતમાં પોલીસ રીફોર્મ્સ એટલે કે પોલીસ સુધારાઓનો ટૂંક સમયમાં અમલ થશે. ગુજરાત પોલીસ ટૂંક સમયમાં ૨૫ જેટલા સુધારાઓનું અમલીકરણ કરવા જઈ રહ્યુ છે. જેમાં 'મહિલા શકિત'ને પ્રોત્સાહન અને પોલીસ ઈન્સ્પેકટરથી નીચેની રેન્કના કર્મચારીઓને સાપ્તાહિક રજા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ તમામ જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ કમિશ્નરોને ગઈકાલે એક પરીપત્ર પાઠવ્યો છે. જેમાં ૨૫ જેટલા સુધારાઓનો અમલ કરવાની બાબત સામેલ છે. અત્રે નોંધનીય છે કે ડીઆઈજી એટીએસ હિમાંશુ શુકલ, દિપેન ભાદ્રણ, ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડા અને ડીસીપી બિપીન આહિરની બનેલી એક કમિટીએ આ બધા સુધારાઓ સૂચવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓએ ૩૩ પાનાનો એક રીપોર્ટ ડીજીપીને મંગળવારે સોંપ્યો હતો. જે હવે રાજ્યભરના ટોચના પોલીસ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, આ રીપોર્ટ ઉપર પોતાનો અભિપ્રાય આપવા માટે મેં સરકયુલર ટોચના પોલીસ અધિકારીઓને પાઠવ્યો છે. પોલીસ વર્કફોર્સને વધુ સુદ્રઢ કરવા અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પોલીસમાં કેટલાક સુધારાઓ કરવા જરૂરી બન્યા છે.

આ સુધારાઓમાં જેન્ડર સમાનતા એટલે કે લીંગ સમાનતાને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. આ રીપોર્ટમાં એવી ભલામણ કરવામાં આવી છે કે મહિલા પોલીસ કર્મચારીને પણ પોલીસ સ્ટેશનોમાં મહત્વની જવાબદારીઓ સોંપાવી જોઈએ. આ રીપોર્ટમાં એવુ પણ નોંધવામાં આવ્યુ છે કે, અત્યાર સુધી એવી માન્યતા રહી છે કે મહત્વના પદો ઉપર મહિલા કર્મચારીઓ સારૂ કામ કરી નહી શકે, પરંતુ આ બાબત ખોટી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પુરૂષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા હવે દૂર થશે. એટલુ જ નહિ ઈન્વેસ્ટીગેશન સહિતના બાબતમાં મહિલાઓના અનુભવ અને તેમની આવડતનો લાભ લઈ શકાશે.

પોલીસ સુધારામાં એક એવી બાબત પણ સામેલ છે કે જેનાથી નાનો કર્મચારી રાજી થઈ જશે. ઈન્સ્પેકટરથી નીચેની રેન્કના કર્મચારીઓને સાપ્તાહિક રજાની જોગવાઈ કરવા આ સુધારાઓમાં જણાવવામાં આવેલ છે. એક પોલીસ અધિકારીને જણાવ્યા પ્રમાણે પોલીસ કર્મચારીઓને સામાન્ય રીતે રજાઓ મુશ્કેલીથી મળે છે જેને કારણે દરેક તબક્કે કર્મચારીઓને શારીરિક અને માનસિક અસર થતી હોય છે. હાલ કર્મચારીઓને સાપ્તાહિક રજા મળતી નથી અને તેઓને સતત કામ કરવુ પડે છે. જેને કારણે તેઓ તાણનો પણ અનુભવ કરતા હોય છે. આ રીપોર્ટમાં સુચવાયુ છે કે, સ્ટેશન હાઉસ ઓફિસર એટલે કે એસએચઓ એ એક દિવસ અગાઉ કોઈપણ કર્મચારીની રજાની જાહેરાત કરવાની રહેશે.

આ રીપોર્ટમાં શિફટની બાબતમાં ફેરફાર કરવા પણ સૂચવાયુ છે. બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના એક અભ્યાસમાં એવુ જણાવાયુ છે કે ૧૨ કલાકની બે શિફટના બદલે ૮ - ૮ કલાકની ૩ શિફટ રાખવી જોઈએ.

રીપોર્ટમાં જણાવાયુ છે કે સંવેદનશીલ અને ક્રાઈમવાળા વિસ્તારોમાં એસએચઓ, એસીપી અને ડીસીપીએ સુધારાનો પ્લાન બનાવવો જોઈએ. એટેચમેન્ટ કે ડેપ્યુટેશનની ડયુટી પોેલીસ કમિશ્નર કે એસપીની મંજુરી બાદ થવા જોઈએ. પોલીસ ચોકીઓમાં અને આઉટપોસ્ટમાં પુરતા પ્રમાણમાં કર્મચારીઓ મુકવા જોઈએ. હાલ મોટાભાગની ચોકીઓ અને આઉટપોસ્ટ ખાલી હોય છે અથવા તાળા હોય છે. ફોન કે વાયરલેસથી કામ પતી જતુ હોય તો સંદેશ વાહકો દોડાવવાની જરૂર રહેતી નથી. સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ સહિતના આર્મ્ડ ફોર્સીસનો ઉપયોગ પોલીસ સ્ટેશનોમાં થવો જોઈએ અને તેમને ઈન્વેસ્ટીગેશન સિવાયની બાબત સોંપવી જોઈએ. જે પોલીસ સ્ટેશનોમાં ૧૦૦થી વધારે ગંભીર ગુન્હાઓ નોંધાયા હોય ત્યાં દર ૧૦૦ વધારાના ગુન્હાએ વધારાની ૪ કર્મચારીઓ ફાળવવા જોઈએ.

રીપોર્ટમાં એવુ જણાવાયુ છે કે, ફરજની ફાળવણીમાં ભેદભાવ રાખવો જોઈએ નહિ. રીપોર્ટ વધુમાં જણાવે છે કે દરેક પોલીસ સ્ટેશનના સર્વિલન્સ સ્કવોડ વૈજ્ઞાનિક રીતે સજ્જ હોવા જોઈએ.

(11:23 am IST)