Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

દિલ્હીને પૂર્ણ રાજ્ય માટેનો દરજ્જો આપવા કામ કરાશે

આમ આદમી પાર્ટીનો ઘોષણાપત્ર જારી કરાયો : પૂર્ણ રાજ્યનો દરજ્જો આપનાર કોઇપણ પાર્ટીની સરકારને દિલ્હીમાં ટેકો આપવાની ખાતરી : અનેક મુદ્દાઓને મહત્વ

નવી દિલ્હી, તા. ૨૫ : આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે આજે દિલ્હીમાં પોતાનો ઘોષણાપત્ર જારી કરી દીધો હતો. અરવિંદ કેજરીવાલે પોતે ઘોષણાપત્ર જારી કરીને ખાતરી આપી હતી કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કામ કરવામાં આવશે. સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા, પ્રદૂષણ, સિલિંગ, પરિવહન જેવી સંબંધિત સેવાઓને મહત્વ આપવામાં આવશે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સિવાય તમામ પક્ષોને ટેકો આપવા માટે તૈયાર છે. ચૂંટણી બાદ કોઇને પણ સરકાર બનાવવા માટે મદદ કરવા માટે તેમની ટીમ તૈયાર છે પરંતુ બદલામાં ઇચ્છે છે કે, સરકાર બની ગયા બાદ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, આ ચૂંટણી કોઇને વડાપ્રધાન બનાવવા માટે નહીં બલ્કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે છે. કેજરીવાલે ઉમેર્યું હતું કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયા બાદ સરકાર દિલ્હી પોલીસમાં ફેરફાર કરી શકશે. ખાલી જગ્યાઓને ભરી શકાશે. સારાથી ઇમાનદારીથી કામ કરનાર લોકો ફરજ બજાવી શકશે. કેજરીવાલે આમ આદમી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં અનેક મહત્વપૂર્ણ વચન આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્ર ઉપર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપના ઘોષણાપત્રમાં કોઇ ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્રણ ધર્મને બાદ કરતા તમામને દેશમાંથી બહાર કરવામાં આવશે. કેજરીવાલે અમિત શાહના એક ટ્વિટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં મોદી સરકાર બન્યા બાદ ભાજપ મુસ્લિમો, જૈન, ખ્રિસ્તી, પારસી સહિત અન્ય તમામને ઘુસણખોરો તરીકે ગણાવીને બહાર કરી દેશે. કેજરીવાલે દાવા સાથે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં કોઇને પણ પૂર્ણ બહુમતિ મળશે નહીં આવી સ્થિતિમાં અમે મોદી અને શાહને બાદ કરતા કોઇની પણ સરકારને ટેકો આપીશું. મોદી અને શાહની જોડીને રોકવા માટે પણ તેમની પ્રાથમિકતા છે. ભારતના બંધારણ ઉપર વિશ્વાસ કરનાર અને એકતાનું સમર્થન કરનાર લોકો ગઠબંધનને ટેકો આપશે. કેજરીવાલે કહ્યું હતું કે, સમર્થન કરતીવેળા એવી આસા રાખવામાં આવશે કે દિલ્હીની ૭૦ વર્ષ જુની પૂર્ણ રાજ્યની માંગને પૂર્ણ કરવામાં આવે.

એએપીનો ઘોષણાપત્ર

નવી દિલ્હી, તા. ૨૫ : આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે આજે દિલ્હીમાં પોતાનો ઘોષણાપત્ર જારી કરી દીધો હતો. ઘોષણાપત્રના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

*   દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે

*   કોલેજોમાં ૮૫ ટકા સીટ દિલ્હીના બાળકો માટે રિઝર્વ

*   દિલ્હીમાં વોટરોને ૮૫ ટકા નોકરીમાં રિઝર્વેશન

*   પૂર્ણ રાજ્ય બન્યા બાદ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને એક સપ્તાહમાં પાકા કરવામાં આવશે

*   એમસીડી આપ હેઠળ આવશે તો દરેક તરફ ફેલાયેલા કચરાને દૂર કરવામાં આવશે

*   ડીડીએ ભ્રષ્ટાચારને દૂર કરાશે

*   દિલ્હીવાસીઓને સસ્તી અને આસાન લોન પર મકાન આપવામાં આવશે

(12:00 am IST)