Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સીધા સુપ્રીમ કોર્ટમાં જજ બનતા દેશના પ્રથમ મહિલા ધારાશાસ્ત્રી ઇન્દુ મલ્હોત્રા

નવી દિલ્હી તા. ૨૬ : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે સિનિયર એડવોકેટ ઇન્દુ મલ્હોત્રાના નામની ભલામણ કરી હતી જેને કેન્દ્રએ મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ત્રણ મહિના પહેલા તેમના નામની ભલામણ કરી હતી, જેના પર સરકારે બુધવારે મંજૂરી આપી દીધી છે. ૨૦૦૭માં સિનિયર એડવોકેટનો દરજ્જો મેળવનારાં ઇન્દુ મલ્હોત્રા દેશનાં પ્રથમ મહિલા એડવોકેટ હશે જે સીધાં સુપ્રીમ કોર્ટનાં જજ બનશે.કેન્દ્ર સરકારે મલ્હોત્રાની ફાઇલ વેરિફિકેશન માટે ઇન્ટેલિજેન્સ બ્યૂરોને (IB) મોકલી હતી. સંવૈધાનિક પદ માટે કોઇ વ્યકિતની નિયુકિત પહેલા ઇન્ટેલિજન્સ બ્યૂરો તેમની પ્રોફેશનલ ક્ષમતા અને વ્યકિતગત સત્યનિષ્ઠાની તપાસ કરે છે. આ ઉપરાંત આઈબી તેમની સામે લાગેલા આરોપોની પણ તપાસ કરે છે અને સરકારને પોતાની રિપોર્ટ આપે છે.આઝાદી પછી સુપ્રીમ કોર્ટની જજ બનનારી ઇન્દુ મલ્હોત્રા સાતમા જજ હશે. હાલમાં જસ્ટિસ આર. ભાનુમતી સુપ્રીમ કોર્ટની એકમાત્ર મહિલા જજ છે. ૧૯૮૯માં જસ્ટિસ એમ. ફાતિમાબીબી સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા જજ બન્યાં હતાં. તેમના પછી જસ્ટિસ સુજાતા મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાનસુધા મિશ્રા અને જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ સુપ્રીમ કોર્ટનાં જજ બન્યાં હતાં.કોલેજીયમે ત્રણ મહિના પહેલા ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે.એમ જોસેફ અને વરિષ્ઠ અધિવકતા ઇંદુ મલ્હોત્રાની સુપ્રીમ કોર્ટ જજ તરીકે નુયિકિતનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે જસ્ટિસ જોસેફની ફાઇલ હજી લો મિનિસ્ટ્રી પાસે છે. સરકારને લાગે છે કે ન્યાયમૂર્તિ જોસેફના નામની ભલામણ પર કોલેજિયમે વરિષ્ઠતા અને ક્ષેત્રીય પ્રતિનિધિત્વનું સન્માન નથી કર્યું. ૨૦૧૬માં ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્ર સરકારના ફેંસલાને રદ કરનારી બેન્ચમાં ઉત્તરાખંડ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફ પણ હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કુરિયન જોસેફે સીજેઆઇ દિપક મિશ્રાને પત્ર લખ્યો હતો જેમાં કોલેજિયમના પ્રસ્તાવ પર કોઇ પગલું ન ભરવાની સરકારની મંશા પર સવાલ ઉઠાવ્યાં હતાં. ૯ એપ્રિલના રોજ લખાયેલ પત્રમાં જસ્ટિસ જોસેફે સીજેઆઈને લખ્યું હતું કે જજોની નિયુકિત ન કરવાને કારણે સુપ્રીમ કોર્ટનું ગૌરવ અને સન્માન દિવસે અને દિવસે ઘટી રહ્યું છે.

(11:50 am IST)