Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

તમારા મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરે છે, અમે ડરવાના નથી, અમે મજબુત રીતે લડીશુઃ પ્રિયંકા ગાંધીના પ્રહારો

રાજધાટ ખાતે આયોજીત કાર્યક્રમમાં કોંગ્રેસના મહાસચિવનું કેન્‍દ્ર સરકાર ઉપર નિશાન

નવી દિલ્‍હીઃ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેન્‍દ્રની ભાજપ સરકાર ઉપર પ્રારો કર્યા હતા.

કોંગ્રેસ આજે દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. આ દરમિયાન રાજઘાટ પર આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મારા શહીદ પિતાનું સંસદમાં અપમાન થયું, પણ તમને સંસદમાંથી કોઈ બહાર કાઢતું નથી.. કેમ? ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું કે તમારા મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરે છે. અમે ડરવાના નથી. અમે મજબૂત રીતે લડીશું.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમારા એક મંત્રીનું કહેવું છે કે રાહુલ ગાંધીને ખબર નથી કે તેમના પિતા કોણ છે. એક પુત્ર જ્યારે તેના પિતાના નિધન બાદ જ્યારે કમાન સંભાળે છે અને પરંપરાને આગળ ધપાવે છે, તમે તેનું અપમાન કરો છો, પરંતુ તમારા પર કાર્યવાહી કે સજા કરવામાં આવતી નથી. કોઈ તમને સંસદમાંથી બહાર નહીં કાઢે. તમને કોઈ કહેતું નથી કે તમે વર્ષો સુધી ચૂંટણી નહીં લડી શકો. તમે અમારા પરિવારનું અપમાન કરતા રહ્યા. સંસદમાં મારા ભાઈએ મોદીજીને ગળે લગાવીને કહ્યું કે હું તમને નફરત નથી કરતો. આપણી વિચારધારા અલગ છે પણ અમારી નફરતની વિચારધારા નથી. શું આ દેશની પરંપરા છે? દેશના લોકતંત્રને અમારા પરિવારે લોહીથી સિંચ્યો છે. દેશના વડાપ્રધાન કાયર છે. દેશ સત્ય ઓળખે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા પિતા શહીદ હતા. તેમના દીકરા એટલે કે મારા ભાઈ રાહુલ ગાંધીને આજે દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે.

સરકાર ફક્ત અદાણીને બચાવવા માગે છે. પ્રજાના પૈસા લૂંટીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યા છે. તેઓ રોજગારી જેવા અસલ મુદ્દાઓ પર વાત જ નથી કરતા. રાહુલને મળી રહેલા સમર્થનથી તેઓ ગભરાઈ ગયા છે. રાહુલના સવાલોના તેમની પાસે કોઇ જવાબ જ નથી. મારા પરિવારના સભ્યોનું વારંવાર અપમાન કરવામાં આવી રહ્યું છે. મીર જાફર સાથે મારા ભાઈની તુલના કરવામાં આવી રહી છે. અહંકારી રાજાને હવે પ્રજા જ જવાબ આપશે.

(3:56 pm IST)