Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પાકિસ્તાનના આર્થિક સંકટના પગલે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી ગયાઃ લોટો વિતરણ વેળાએ ભાગદોડ મચતા ૪ લોકોના મોત

ઘઉંની તીવ્ર અછતને કારણે પાકિસ્તાનવાસીઓ પેટનો ખાડો પુરવા આમતેમ ફાંફા મારેલ છે

નવી દિલ્‍હીઃ  કંગાળ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે વધુ કફોડી બની રહી છે. પાકિસ્તાનના આર્થિક સંકટના પગલે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી ગયા છે જેમાં ખાસ કરીને ઘઉંની તીવ્ર અછતને કારણે પાકિસ્તાનવાસીઓ પેટનો ખાડો પુરવા આમતેમ ફાંફા મારી રહ્યા છે. બીજી તરફ સરકાર પોતાની પ્રજાને સબસીડી અંતર્ગત મફતમાં લોટનું વિતરણ કરી રહી છે પણ લોટો લેવા એટલી પડાપડી થાય છે કે લોકોના મોત નિપજી રહ્યા છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લોકો જીવ બચાવવા મફત લોટ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા પણ હવે તેમાંજ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

પાકિસ્તાનના સરકારી અધિકારીઓએ શનિવારે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકાર દ્વારા મફત લોટના વિતરણ કેન્દ્રોમાંથી મફત લોટ મેળવવાનો પ્રયાસ કરતી વખતે ઓછામાં ઓછા ચાર વૃદ્ધ લોકો મૃત્યુ પામ્યા છે. મોંઘવારી પર કાબુ મેળવવા માટે પંજાબ પ્રાંતમાં ગરીબો માટે મફત લોટ યોજના શરૂ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનના મુઝફ્ફરગઢ પ્રાંતમાં સરકાર દ્વારા મફતમાં લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં એક વૃદ્ધ મહિલાનું ભાગદોડમાં કચડાઈ જવાથી મોત થયું હતું જોકે, બાદમાં રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ અગાઉ સોમવારે પણ મુઝફ્ફરગઢમાં લોટ લેવા આવેલી 50 વર્ષીય મહિલાનું નાસભાગ દરમિયાન મોત નિપજ્યું હતું.

(12:50 am IST)