Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ઈન્ડિયન એરફોર્સના પાયલટસ ત્રણ રફાલ વિમાનો લેવા માટે ફ્રાન્સ પહોંચી ગયા : ત્રણ રફાલ વિમાનો સાથે વાયુસેનાના પાયલટ અંબાલા આવશે

વાયુસેનાની શક્તિ વધશે:આવતા સપ્તાહે ભારત પહોંચશે વધુ ત્રણ રફાલ વિમાનો

નવી દિલ્હી : ફ્રાન્સથી ત્રણ રફાલ વિમાનો ટૂંક સમયમાં ભારત આવી પહોંચશે. તે સાથે જ ઈન્ડિયન એરફોર્સની શક્તિમાં વધારો થશે. એપ્રિલના અંત સુધીમાં કુલ નવ રફાલ વિમાનો ભારત આવી પહોંચે તેવી શક્યતા છે. પશ્વિમ બંગાળના હાશિમારા બેઝથી એરફોર્સ પાંચ લડાકુ વિમાનો સાથે ઓપરેશન શરૃ કરશે.

ઈન્ડિયન એરફોર્સના પાયલટસ ત્રણ રફાલ વિમાનો લેવા માટે ફ્રાન્સ પહોંચી ગયા છે. આવતા સપ્તાહે ત્રણ રફાલ વિમાનો સાથે વાયુસેનાના પાયલટ અંબાલા આવી પહોંચે તેવી શક્યતા છે. એપ્રિલના અંત સુધીમાં નવ રફાલ વિમાનો ભારત આવશે.
અગાઉ જુલાઈ-૨૦૨૦માં પ્રથમ વખત રફાલ ભારત સુધી પહોંચ્યા હતા. એ પછી ત્રણ વિમાનો નવેમ્બરમાં આવ્યા હતા. જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં ૧૧ રફાલ આવી ચૂક્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક કાર્યક્રમ યોજીને રફાલને વિધિવત રીતે વાયુસેનામાં સામેલ કરાયા હતા. એક ઓપરેશન લદાખમાં શરૃ કરી દેવાયું છે. હવે પશ્વિમ બંગાળના હાશિમારામાં પાંચ લડાકુ વિમાનો સાથે નવું ઓપરેશન શરૃ થશે.
ભારત-ફ્રાન્સ વચ્ચે ૨૦૧૬માં ૩૬ રફાલ વિમાનોનો સોદો થયો હતો. ૨૦૨૧ના અંત સુધીમાં ફ્રાન્સે ભારતને તમામ ૩૬ લડાકુ વિમાનો આપી દેવાના છે. તેના ભાગરૃપે એપ્રિલ પછી વધુ છ વિમાનોની ખેપ પણ ભારત મોકલી દેવાશે. બધા જ રફાલ આવી જશે પછી વાયુસેના અલગ અલગ એરબેઝમાં તેને તૈનાત કરી દેશે. રફાલથી ભારતની શક્તિમાં વધારો થશે

(12:23 am IST)