Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સેંસેક્સમાં વધુ ૧૪૪૧ પોઇન્ટની રિકવરી થતાં આશાનું મોજુ ફેલાયું

શેરબજારમાં સતત ત્રીજા દિવસે જોરદાર રિકવરીનો દોર રહ્યો : કોરોના વાયરસને રોકવા માટે કેન્દ્ર અને રાજ્યોના યુદ્ધના ધોરણે પ્રયાસ અને આર્થિક મંદીને દૂર કરવા સરકારના મહાકાય પેકેજ બાદ શેરબજારમાં રિકવરી

મુંબઇ,તા. ૨૬ : શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે જોરદાર તેજીનો માહોલ રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૧૧ પોઇન્ટ ઉછળીને ૨૯૯૪૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩૨૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૮૬૪૧ રહી હતી. સેંસેક્સમાં ૫ ટકાની આસપાસ અને નિફ્ટીમાં ચાર ટકાની આસપાસનો ઉછાળો રહ્યો હતો. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૪૫ ટકાનો જોરદાર ઉછાળો રહ્યો હતો. બીએસઈમાં તેના શેરની કિંમત ૪૩૭ સુધી પહોંચી હતી. હજુ સુધી એક દિવસમાં સૌથી મોટો ઉછાળો ઇન્ડસઇન્ડ બેંકમાં રહ્યો છે. અન્ય શેરની વાત કરવામાં આવે તો ભારતી એરટેલના શેરમાં ૧૧ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો રહ્યો હતો.

         બજાજ ફાઈનાન્સના શેરમાં આઠ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩.૫ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૫૬૮ રહી છે. જ્યારે એસએન્ડપી બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૪૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૯૪૭૦ રહી છે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પ્રાઇવેટ બેંકમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૮ ટકાની આસપાસનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટીમાં પણ ઉલ્લેખનીય સુધારો થયો છે. શેરબજારમાં આજે તેજી માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજને મુખ્ય કારણ તરીકે જોવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી જંગી પેકેજ જાહેર કરાયું છે જેની અસર શેરબજારમાં રહી હતી અને તીવ્ર ઉછાળો રહ્યો હતો. શેરબજારે કેન્દ્ર સરકારના પેકેજનું જોરદાર સ્વાગત કર્યું છે.

        બીજી બાજુ વિશ્વના બજારોમાં પણ ઉથલપાથલનો દોર જારી રહ્યો છે. જર્મનીમાં કન્ઝ્યુમરનો જથ્થો ભાંગી પડ્યો છે. ગયા મહિને બ્રિટનમાં રિટેલ વેચાણમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક મોરચા પર કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. વિશ્વના ૨૦૦ દેશો તેના સકંજામાં આવેલા છે. અમેરિકામાંથી આવેલા સારા સમાચારની અસર હેઠળ ભારતીય શેરબજારમાં આજે પણ તેજી રહી હતી. શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી રહેતા કારોબારીઓ ખુશ દેખાયા હતા.  બુધવારના દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. સેંસેક્સમાં ૧૮૬૧પોઇન્ટની રિક્વરી થઇ હતી. એક વખતે સેંસેક્સમાં સપાટી ૨૧૦૦ સુધી ઉપર પહોંચી ગઇ હતી. ક્રુડ ઓઇલના ઘટાડાનો દોર જારી રહ્યો છે. મોડી રાત્રે અમેરિકી  ડાઉ જોન્સ ૪૯૬ પોઇન્ટના આંકડા સાથે બંધ થયો હતો.

        આજે બજાર ખુલતાની સાથે જ તેજી જામી હતી. અમેરિકી સેનેટ દ્વારા બે ટ્રિલિયન ડોલરના બિલને મંજુરી આપી દીધી છે. વિદેશી મૂડીરોકાણકારો જોખમી સંપત્તિથી પીછેહઠ કરી રહ્યા છે. ડોલર સંપત્તિ અને સોનામાં રોકાણ કરવાની દિશામાં લોકો આગળ વધી રહ્યા છે ડેટા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૫૬૨૪૭.૫૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ સેગ્મેન્ટમાંથી ૫૨૪૪૯.૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.બજારમાં પ્રવાહી સ્થિતી છે. 

(7:53 pm IST)
  • ગુજરાતમાં નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ : કોરોનાથી વધુ એકનું મોત, કુલ કેસનો આંકડો 43 પર પહોંચ્યો, મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો access_time 11:34 am IST

  • ઓનલાઇન ટિકિટ લેનાર યાત્રિકોને રેલવે તંત્રની સૂચના : ટિકિટ કેન્સલ કરાવશો તો રકમ ઓછી મળવાની શક્યતા : 14 એપ્રિલ સુધી તમામ ટ્રેનો રદ થઇ હોવાથી આપોઆપ રિફંડની રકમ તમારા ખાતામાં જમા થઇ જશે access_time 1:35 pm IST

  • ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ કરી : ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને નજર સમક્ષ રાખી ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ રાખવાના હુકમો કર્યા છે access_time 10:16 pm IST