Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગરીબો-વેપારીઓ-નાના ઉદ્યોગો માટે આર્થિક પેકેજની તૈયારી

૧૦ કરોડ ગરીબ પરિવારોને રૂ.૬૦૦૦ આપશે સરકાર? ખાતામાં સીધા પૈસા જમા થશેઃ નાના અને મધ્યમ વેપારીઓને બેંકીગ સેકટર સાથે જોડાયેલા નિયમોમાં છુટછાટ અપાશે : આ સપ્તાહે જ પેકેજ જાહેર થવાની સંભાવનાઃ પેકેજનું કદ ર.૩ લાખ કરોડ રહી શકે છેઃ હવાઇ ક્ષેત્રને પણ રાહત આપવા વિચારણા

નવી દિલ્હી, તા., ૨૬: મોદી સરકાર કોરોના વાયરસના મુકાબલા વચ્ચે ૧.પ લાખ કરોડ રૂપીયાના આર્થીક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. આ મામલા સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે પ્રોત્સાહન પેકેજનો આકાર ર.૩ લાખ કરોડનો હોઇ શકે છે. ટુંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પેકેજની જાહેરાત આ સપ્તાહના અંતમાં થઇ શકે છે.  જે હેઠળ ૧૦ કરોડ ગરીબોના ખાતામાં  રૂ. પ થી ૬ હજાર સીધા રૂપીયા ટ્રાન્સફર થશે,  આ માટે ૬૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. આ સિવાય લોકડાઉનથી અસર પામેલા ઉદ્યોગોને પણ સહાયતા કરવામાં આવશે.

સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે આ પેકેજ જાહેર કરશે. જે હેઠળ બીન સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને સરકાર  ડીબીટી સ્કીમ હેઠળ તેમના ખાતામાં મદદ પહોંચાડશે. આ સિવાય નાના અને મધ્યમ  વેપારીઓને બેન્કીંગ સેકટર સાથે જોડાયેલ  નિયમમાં છુટ આપવાની જાહેરાત પણ થઇ શકે છે.

નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે આર્થીક પેકેજમાં લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે છુટ ઉપરાંત દૈનિક પગારદારો માટે સીધા તેમના ખાતામાં રોકડ ટ્રાન્સફર જેવા મામલાઓનો સમાવેશ થશે.

સરકાર એનપીએના વર્ગીકરણના સમયને ૯૦ દિવસથી ૩૦ થી ૬૦ વધારાના દિવસ લંબાવી દેવાશે કે જેથી કંપનીઓને વેપારમાં બંધ વચ્ચે કેશ ફલોની સમસ્યાથી નિપટવા માટે સમય મળી જાય અને તેમના ખાતામાં પડેલા પૈસા પણ એનપીએ જાહેર ન થાય.

માનવામાં આવે છે કે સરકારના આર્થીક પેકેજમાં હવાઇ ક્ષેત્રને પણ રાહત મળશે. કારણ કે લોકઆઉટથી તેને માઠી અસર થઇ છે. આ ક્ષેત્રને ટેકસ સહિત અન્ય પેન્ડીંગ ચુકવણામાં રાહત થઇ શકે છે.

આ સિવાય સામાજીક સુરક્ષાના દાયરાથી બહારના લોકો માટે પણ ન્યુનતમ આજીવીકા ટ્રાન્સફરની યોજના આવે તેવી શકયતા છે.

(10:43 am IST)