Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

દિલ્હી, મુંબઇ અને ગોવામાં અલ કાયદા ભયાનક હુમલા કરાવી શકે છે

આ હુમલો યહૂદી કોન્સ્યુલેટ અથવા સિનેગોગ પર થઇ શકે એવી આશંકા વ્યકત કરાઇ છે

નવી દિલ્હી તા. ૨૬ : ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા અલ કાયદા અને આઈએસઆઈએસ જેવી આતંકવાદી સંસ્થાઓ મુંબઈ, દિલ્હી અને ગોવામા હુમલો કરે એવી ચેતવણી ઇન્ટેલિજન્સ બ્યૂરો(IB)એ આપી છે. આ હુમલો યહૂદી કોન્સ્યુલેટ અથવા સિનેગોગ પર થઈ શકે એવી આશંકા વ્યકત કરાઈ છે. આ માહિતી IBને છેલ્લા ચાર જ દિવસમાં મળી છે. એથી આઈબીએ દિલ્હી, મુંબઈ અને ગોવા પોલીસને સાવચેત રહેવા કહ્યું છે. IBની ચેતવણીના પગલે મુંબઈમાં આવેલી ઇઝરાયેલ કોન્સ્યુલેટ,સિનેગોગ અને છાબડ હાઉસની સુરક્ષામાં વધારો કરાયો છે.

IB એ કહ્યું છે કે પહેલી સૂચના ૨૦ માર્ચે મળી હતી. જેમાં ન્યૂઝીલડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદમાં ૨૯ વર્ષના ઓસ્ટ્રેલિયન બ્રેન્ટન ટારંટે ઓપન ફાયરિંગ કરી ૫૦ જણને મોતને ઘાટ ઉતારી દીધા હતા. IB એ વધુમાં કહ્યું હતું કે વિવિધ જગ્યાએથી ભેગી કરેલી માહિતી અનુસાર આઈએસઆઈએસના પ્રવકતા અબુ હસન અલમુજાહિરે તેના કલોઝડ ઓન લાઇન ગ્રૂપ પર એવંુ કહેતાં સંભળાયો છે કે એ હુમલાનો બદલો લો. આ અને આ પ્રકારની અન્ય વાતચીતનું તારણ કાઢતા તેઓ હુમલો કરે એવી વકી છે એથી પૂરતી સાવચેતી લેવા IBએ અનુરોધ કર્યો છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે તેમણે IBની આ ચેતવણીના પગલે યહૂદી પ્રાર્થના સ્થળોની આસપાસ પહેરો વધારી દીધો છે.

IBની આ ચેતવણીના પગલે એ ચેતવણીમાં દર્શાવેલા સ્થળો સહિત મહત્ત્વના સ્થળો પર પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે એટલું જ નહીં પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. ઇઝરાયલી એમ્બસીની સુરક્ષાનો જાયજો લઈ તેમાં વધારો કરાયો છે. વળી એ વિસ્તારમાં આવતાં જતાં વાહનોમાંથી જો કોઈ વાહન શંકાસ્પદ લાગે તેની પણ ઝીણવટ ભરી તપાસ કરાઈ રહી છે.

(10:09 am IST)