Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

કર્ણાટક ચૂંટણી : નેતાઓ પૈસા અને ઘડિયાળો વહેંચી રહ્યા છે

વિધાનસભા ચૂંટણી પહેલા જ જીતવાના પ્રયાસ :મતદારોને પ્રભાવિત કરવા કોંગ્રેસ અને જેડીએસ મેદાનમાં

બેંગ્લોર,તા. ૨૬ : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો હજુ જાહેર થઇ નથી ત્યારે ચૂંટણી જીતવાના પ્રયાસો અત્યારથી જ શરૂ થઇ ચુક્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ પૈસા અને ઘડિયાળ વહેંચતા કેમેરામાં કેદ થઇ ગયા છે. કર્ણાટકની ચર્ચાસ્પદ કેઆરનગર સીટના વર્તમાન ધારાસભ્ય મતદારોની વચ્ચે પૈસા વહેંચતા કેમેરામાં કેદ થઇ ગયા છે. બીજી બાજુ જેડીએસ અને કોંગ્રેસના નેતાઓ ઘડિયાળ વહેંચતા કેમેરામાં કેદ થઇ જતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી આડે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓએ સ્થાનિક નેતાઓને પ્રભાવિત કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. સાથે સાથે સ્થાનિક નેતાઓને મતદારોમાં પ્રભાવ જમાવવા માટે કહેવામાં આવી ચુક્યા છે. મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. સોશિયલ મિડિયામાં હાલ એવા વિડિયો વાઇરલ થઇ રહ્યા છે જેમાં જેડીએસ અને કોંગ્રેસના આ નેતા મતદારોને પ્રભાવિત કરવા માટે ઘડિયાળ અને પૈસા વહેંચતા કેમેરામાં કેદ થઇ ગયા છે. કેઆરનગર સીટના હાલના જેડીએસના ધારાસભ્ય મહેશ છે. બીજી બાજુ કોંગ્રેસે માર્ચ મહિનામાં એક આંતરિક સર્વેનું કામ કરાવ્યું હતું જે મુજબ તેમને ૪૬ ટકા મત મળી શકે છે. કોંગ્રેસને ૧૨૭ સીટો મળી શકે છે જ્યારે સર્વેમાં ભાજપને ૩૧ ટકા મત મળી શકે છે. ૭૦ સીટો પણ મળી શકે છે. વિધાનસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. આગામી દિવસોમાં રાજકીય ગરમી વધુ વધે તેવા સંકેત છે. કારણ કે, ચૂંટણી કાર્યક્રમની જાહેરાત હવે કોઇપણ સમયે કરવામાં આવી શકે છે. ભાજપ કોંગ્રેસના ટોપ નેતાઓ આક્રમક પ્રચારમાં પણ લાગી ગયા છે.

(7:35 pm IST)