Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાનો માર્ગ મોકળો :લંડનની કોર્ટે પ્રત્યાર્પણને મંજૂરી આપી

હવે તેને વતન લાવવાના પરવાના પર ભારતીય મૂળના ગૃહમંત્રી પ્રિતી પટેલ અંતિમ મહોર મારશે.

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેન્કમાં 14000 કરોડ રુપિયાતી વધુની છેચરપિંડીના આરોપી ભાગેડુ નિરવ મોદીને ટુંકમાં ભારત લાવી શકાશે. લંડનની કોર્ટે નિરવના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે મુંબઇની આર્થર રોડ જેલ નીરવ મોદી માટે ફીટ છે. હવે તેને વતન લાવવાના પરવાના પર ભારતીય મૂળના ગૃહમંત્રી પ્રિતી પટેલ અંતિમ મહોર મારશે.

લંડનમાં વર્ચ્યુઅલ સુનાવણી બાદ જજ સેમ્યુઅલ ગૂજીએ કહ્યું કે નીરવ મોદીએ ભારતમાં ચાલી રહેલા કેસનો જવાબ આપવો પડશે. જજે માન્યું કે નીરવ મોદીએ પુરાવાને નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવવાનું ષડયંત્ર કર્યું.

જજ સેમ્યુઅલે કહ્યું કે નીરવ મોદીને ભારત મોકલાશે તો તેને ન્યાય નહીં મળે એવું નથી. કોર્ટે નીરવની માનસિક સ્થિતિ બરાબર નહીં હોવાની દલીલ પણ ફગાવી દીધી. તે અંગે કહ્યું કે આરોપીને કોઇ માનસિક સમસ્યા હોય એવું લાગતું નથી. મુંબઇની આર્થર રોડ જેલનું બેરક નંબર 12 નીરવ માટે ફીટ હોવાનું જણાવતા જજે કહ્યું કે ભારતમાં પ્રત્યાર્પણ બાદ પણ તેમને ન્યાય મળશે.

નીરવ માોદી અત્યારે લંડનની વોન્ડ્સવર્થ જેલમાં બંધ છે. તેણે જામીન માટે બહુ હવાતિયા માર્યા કોર્ટમાં માનસિક સ્થિતિ બરાબર નહીં હોવાની દલીલો પણ કરી છતાં તેને કોઇ સફળતા મળી નહીં. હવે ભારતમાં પ્રત્યાર્પણની મંજૂરી કોર્ટે આપી દીધી. જો કે કોર્ટના ચુકાદા પર અંતિમ મહોર ગૃહમંત્રી લગાવશે. હાલ બ્રિટનના ગૃહમંત્રી ભારતીય અને ગુજરાતી મૂળના પ્રિતી પટેલ છે. જેમની પાસે આ મામલો જશે

ભાગેડુ નીરવ મોદી 19 માર્ચ 2019 લંડનમાં ધરપકડ બાદથી જેલમાં બંધ છે. તેણે ઘણી વખત જામીન મેળવવા માટે અરજીઓ કરી પરંતુ દરેક વખતે તેની અરજી ફગાવી દેવાઇ. કોર્ટને આશંકા હતી કે જામીન આપવાથી તે ફરાર થઇ શકે છે

નીરવને જેલમાંથી બહાર કાઢવા તેના વકીલોએ ઘણી યુક્તિઓ અજમાવી હતી. એટલે સુધી કે તેને માનસિક દર્દી પણ ગણાવી દીધો. સાથે ભારતની જેલોમાં સુવિધા નહીં હોવાના દાવા પણ કર્યા. પરંતુ ભારતીય એજન્સીઓ તરફથી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)એ જોરદાર દલીલો કરી. તેના બેરિસ્ટર હેલન માલ્કમે સુનાવણીમાં કહ્યું હતું કે નીરવે ત્રણ પાર્ટનરવાળી પોતાની કંપની થકી અબજો રૂપિયાનું બેન્ક કૌભાંડ કર્યુ હોવાનુંએકદમ સ્પષ્ટ છે

(12:00 am IST)