Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પાક વિમાનું પ્રીમિયમ ભરવા માટે ૧૧૯૦ કરોડ ફળવાયા

કૃષિ , ખેડૂત કલ્યાણ-સહકાર માટે ૭૪૨૩ કરોડ : ખેડૂતોને ભારવાહક વાહનોની ખરીદી કરવા ૫૦ હજારથી ૭૫ હજાર સહાયતા : પશુપાલકોને ૨૨૦૦ કરોડ અપાશે

અમદાવાદ,તા.૨૬ : નાણામંત્રી નીતિન પટેેલે આજે પોતાના બજેટમાં કૃષિલક્ષી બહુ મહત્વની અને મોટી જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ વખતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭,૪૨૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ , વિના વ્યાજે પાક ધિરાણ , પાક વીમો , બિયારણ , ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક - ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. રાજયના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે રૂ.૩૯, ૦૦૦ કરોડનું ટુંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે. આમ , ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે, જે માટે રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સિવાય ેેરાજય સરકારની ભલામણ ધ્યાને લઇ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે . પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા રૂ.૧,૧૯૦ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છ.

            તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. નીતિનપટેલે કમોસમી વરસાદ , વાવાઝોડું , અતિવૃષ્ટિ , જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન - ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ સહાય રાપવામાં આવશે. આવા સ્ટ્રકચરના બાંધકામ માટે એન.એ. ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે ૨૩૦૦ કરોડની જોગવાઈ કરાઇ છે. તો, કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ રૂ.૪૫, ૦૦૦ થી રૂ.૬૦,૦૦૦ની સહાય તેમજં આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ.૨૩૫ કરોડની જોગવાઈ કરાઇ છે. દરમ્યાન ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક રૂ.૯૦૦ એટલે કે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે . પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે . જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે . આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. ખેડૂતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અથવા દેશના અન્ય ભાગોમાં વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવી ખૂબ જરૂરી બને છે. આ હેતુ માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજના જાહેર કરી છે.

                 જેને સુસંગત કિસાન પરિવહન યોજનાની નાણાંમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજાર થી રૂ.૭૫ હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબકકે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા રૂ.૩૦ કરોડની જોગવાઈ કરાઇ છે. ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે. જે માટે ૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં , ચોખા , કઠોળ , બરછટ અનાજ , કપાસ , શેરડી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા રૂ.૮૭ કરોડની,ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ રૂ.૭૨ કરોડની જોગવાઇ, એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા રૂ.૩૪ કરોડની જોગવાઈઅને દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ કરાઇ છે.

 

(8:02 pm IST)