Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નાણામંત્રી નીતિન પટેેલે બજેટ વખતે પ્રારંભમાં જ કવિતા ગાઇ

નાણામંત્રી નીતિન પટેેલની કવિતાના પગલે ગૃહમાં રમૂજ : ૩૧મી માર્ચ સુધી ૨૨ દિવસ ચાલનારા સત્ર દરમિયાન ૨૫ બેઠકો મળશે : સત્રમાં ૧૦થી વધુ વિધેયક રજૂ થશે

રાજયના નાણામંત્રી નીતિન પટેલે આજે બજેટ સ્પીચના પ્રારંભે જ એક સુંદર કવિતા ગાઇ ભાજપ સરકારની કટિબદ્ધતા વ્યકત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે વિધાનસભા ગૃહમાં હળવા અને રમૂજભર્યા દ્રશ્યો સર્જાયા હતા. નીતિન પટેલની કવિતાના શબ્દો હતા કે, કામ કરતા આવ્યા છીએ કામ કરતા રહીશું, ધન્ય ધરા ગુજરાતની  ચરણો ચૂમતા રહીશુ. કામ કરતા બનાવ્યું, ૨૫ વર્ષમાં ઉત્તમ ગુજરાત, ચાલૌ સો બનાવીએ સાથે મળી સર્વોત્તમ ગુજરાત, સર્વસમાવેશક વિકાસપથ પર આગળ ધપતા રહીશું. ઋણી છીએ ગુજરાતના ઋણ ચૂકવતા રહીશું. આ કવિતા સાંભળતા જ ગૃહમાં સૌકોઇના ચહેરા પર સ્મિત અને હાસ્યનુ મોજુ ફરી વળ્યું હતું. આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ હતી, ગૃહનું સત્ર હવે તા.૩૧ માર્ચ સુધી ચાલશે. આજે બજેટ સત્રના પહેલા જ દિવસે નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલે વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રજૂ કર્યુ હતુ. નીતિન પટેલે આઠમી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

            તેમણે અગાઉના તત્કાલીન નાણાંમંત્રી વજુભાઈ વાળા બાદ બીજા ક્રમે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવો રેકોર્ડ કર્યો હતો. રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ હતું. તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોના પગલે બજેટમાં કોઇ ખાસ વેરાનું ભારણ નહી નાંખી રાજયની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બધા વર્ગને ખુશ રાખવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ માટે આકર્ષક યોજનાઓ જાહેર કરી હતી. ગત વર્ષે ૨.૦૪ લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેની સામે આ વર્ષે રૂ.બે લાખ,૧૭ હજાર, ૨૮૭ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિધાનસભાનું સત્ર તા.૩૧ માર્ચ સુધી એટલે કે ૨૨ કામકાજના દિવસ સુધી ચાલશે., એ દરમ્યાન ૨૫ જેટલી બેઠકો મળશે. બજેટના બીજા દિવસથી રાજ્યપાલના પ્રસ્તાવ પર ચર્ચા થશે. સત્ર દરમ્યાન ૧૦ જેટલા વિધેયક રજૂ થશે. ગુજરાત વિધાનસભામાં સતત આઠમી વાર બજેટ રજૂ કરતા નીતિન પટેલે કવિતા રજૂ કરી હતી. નાણા પ્રધાન નીતિન પટેલે હળવી શૈલીમાં કહ્યુ કે મે અને મારા મંત્રાલયના સૌકોઇએ ભેગા કરીને આ કવિતા બનાવી છે. આટલુ કહ્યા બાદ તેમણે કવિતા રજૂ કરી હતી. જેમાં તેમણે ગુજરાતના ગુણગાન અને સરકાર દ્વારા થતી કામગીરીને વણી લઇ સરકારની કટિબધ્ધતા વ્યકત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સરકારનો ખર્ચનો અંદાજ

વિકાસલક્ષી ખર્ચ ૬૨.૦૭ ટકા

અમદવાદ, તા. ૨૬ : ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે તમામ લોકોને પ્રભાવિત કરનાર બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખર્ચના અંદાજ પણ મુકવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના ૨૦૨૦-૨૧ના ખર્ચના અંદાજ નીચે મુજબ છે.

બાબત.............................................. ખર્ચ (કરોડમાં)

વિકાસલક્ષી ખર્ચ................................ ૧૩૩૨૮૩.૪૩

બિન વિકાસલક્ષી ખર્ચ........................... ૬૧૨૯૭.૯૧

જાહેર દેવાની ચુકવણી.......................... ૧૭૮૮૪.૭૦

લોન અનએ પેશગી................................ ૧૨૧૮.૮૪

સહાયક અનુદાન અને ફાળો....................... ૪૪૮.૧૬

કુલ ચોખ્ખી લેવડદેવડ.............................. ૬૦૫.૪૩

(7:59 pm IST)