Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નલ સે જલ અભિયાનઃ ઘરે ઘરે પાણી પહોંચાડાશેઃ ખારૂ પાણી મીઠુ કરવા યોજના

ગાંધીનગર, તા.૨૬: અમારી સરકારે શુધ્ધ અને પર્યાપ્ત પીવાનું પાણી પુરૃં પાડવા રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા ૧૩,૩૦૦થી વધુ ગામો અને ૨૦૩ શહેરી વિસ્તારો જોડવાની કામગીરી પૂર્ણ કરેલ છે. ગ્રામીણ વિસ્તારોમાં ૭૮ટકા ઘરોમાં નળ જોડાણની સિધ્ધિ હાંસલ કરેલ છે. જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ ના સૂત્ર સાથે વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના બાકી રહેતા ૧૭ લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરૂ પાડવાનું આયોજન કરેલ છે. જે માટે રૂ.૭૨૪ કરોડની જોગવાઇ.

 આગામી ત્રણ વર્ષમાં ભુર્ગભ જળ આધારિત વ્યકિતગત પાણી પુરવઠા યોજનાના ગામોને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરેલ છે.

સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવચરી લેવા આગામી ત્રણ વર્ષ માટે રૂ. ૯૩૦૦ કરોડનું આયોજન કરેલ છે. જેના થકી ૪૬૩૫ ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે. જેનો લાભ ૨૨૦૦ ગામોના ૫૦ લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે.

નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચાડવા ફળિયાઓને મુખ્ય ગામના સમ્પની જોડવાનું , ફળિયા તેમજ ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઉભી કરવા આગામી બે વર્ષમાં રૂ.૧૦૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ-બુધેલ-બોરડા, ચાવ૦ડ-ધરાઇ-ભેસાણ અને ચાવંડ -લાઠી પાઇપલાઇનના કુલ રૂ.૧૪૦૦ કરોડના કામો શરૂ કરવામાં આવશે. જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જલ સલામતી પ્રદાન કરવા માટે કચ્છ માંડવી, દ્વારકા, ગીર સોમનાથ, ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારોમાં ૨૭ કરોડ લીટર ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાયેલ છે. આગામી બે વર્ષ દરમિયાન આ પ્લાન્ટના કેપિટલ ફાળા તરીકે રૂ.૧૦૮૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.

(4:41 pm IST)