Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હીમાં ભારેલો અગ્નિ : મૃત્યુ આંક ૨૦ : શાહ - ડોભાલ મેદાને ઉતર્યા

કેજરીવાલે સેનાનો ખડકલો કરવા કહ્યું : તમામ પ્રયત્નો છતાં દિલ્હી પોલીસ હિંસા પર કાબુ મેળવવામાં નિષ્ફળ

નવી દિલ્હી તા. ૨૬ : દિલ્હીમાં સીએએને લઇ છેલ્લાં ત્રણ દિવસથી થયેલી હિંસા પર સરકારે ખૂબ જ સખ્ત રૂખ અપનાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથો સાથ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ ઘટનાના પળે-પળના અપડેટ લઇ રહ્યા છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ થવાની છે, જમાં આ મુદ્દો ઉઠાવી શકે છે. હિંસામાં મૃતકોની સંખ્યા ૨૦ સુધી પહોંચી ગઇ છે, જેમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ પણ સામેલ છે. તો ઘાયલોની સંખ્યા ૨૦૦ પાર થઇ ગઇ છે. તો બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેનાને બોલાવાનું આહ્વાન કર્યું.

શાહીનબાગ પર સુનાવણી કરવા દરમ્યાન સુપ્રીમ કોર્ટે દિલ્હી હિંસા પર દખલ કરવાનો ઇન્કાર કર્યો. કોર્ટે કહ્યું કે હાલની સ્થિતિને જોતા સુનાવણી કરવી યોગ્ય નથી. આમ સુનવણી ટળી ગઇ અને ૨૩મી માર્ચના રોજ હવે આગળની સુનાવણી થશે. જયારે દિલ્હીમાં હિંસાને લઇ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેના પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી પાસે માત્ર એક કેસ છે, શાહીનબાગમાં રસ્તો ખોલાવાને લઇ અમે વાર્તાકારણ મોકલ્યા હતા, જેમણે અમને રિપોર્ટ સોંપ્યો છે.

હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસને હવે દબંગાઇઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સ્થિતિનો તાગ મેળવવા માટે એનએસએ ડોભાલ મંગળવાર મોડી રાત્રે હિંસાથી અસગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. તેમણે ગાડીમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા હિંસાગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો. આજે પણ ડોભાલ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત કરી શકે છે.

આજે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધારી દેવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના પ્રવાસને લઇ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી જોડાયેલા હતા. જેમને ટ્રમ્પના સ્વદેશ પરત ફરતા જ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવાયા છે.

(3:47 pm IST)