Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

'એક દેશ એક રેશન કાર્ડ' યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારકો ૧૧ રાજ્યમાંથી અનાજનો જથ્થો મેળવી શકશે

રાજકોટ,તા.૨૬: ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારત સરકારની 'એક દેશ એક રેશન કાર્ડ'યોજના અંતર્ગત ઓગષ્ટ ૨૦૧૯થી ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજય વચ્ચે ઈન્ટર સ્ટેટ પોર્ટેબીલીટી લાગુ કરાઈ છે. જે અંતર્ગત નેશનલ ફુડ સિકયોરીટી એકટ – ૨૦૧૩ (એન.એફ.એસ.એ)માં સમાવિષ્ટ લાભાર્થીઓ ગુજરાત રાજયમાં કોઈપણ જગ્યાએથી તેમને મળવપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. તેમજ મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતના લાભાર્થીઓ તથા ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના લાભાર્થીઓ પણ સ્થાનિક કક્ષાએ પોર્ટેબીલીટી અંતર્ગત અનાજનો પૂરવઠો મેળવી શકે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

૧ જાન્યુઆરી ૨૦૨૦થી ૧૨ રાજય (ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગણા, ગોવા, કેરળ, કર્ણાટક, આંધપ્રદેશ, ત્રિપુરા) સહિતમાં નેશનલ પોર્ટેબીલીટી લાગુ થયેલ છે. જે અંતર્ગત નોંધણી થયેલા હોય તેવા અન્ય ૧૧ રાજયોના એન.એફ.એસ.એ રેશન કાર્ડ ધરાવનાર લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થા માંથી ૫૦ ટકા જથ્થો પ્રથમ તબક્કે મેળવી શકશે અને બાકીનો જથ્થો એક અઠવાડિયા બાદ ગુજરાતની કોઈપણ વાજબી ભાવની દુકાન પરથી મેળવી શકશે. તે જ રીતે ગુજરાતમાં નોંધાયેલા એન.એફ.એસ.એ રેશન કાર્ડ ધરાવનાર લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થામાંથી ૫૦ ટકા જથ્થો પ્રથમ તબક્કે મેળવી શકશે અને બાકીનો જથ્થો એક અઠવાડિયા બાદ ૧૧ રાજયની કોઈપણ વાજબી ભાવની દુકાન પરથી મેળવી શકે છે. સરકારના આ પગલાથી ૧૧ રાજયના રેશન કાર્ડ ધારકો કોઈપણ રાજયમાંથી સરળતાથી અનાજ મેળવી શકશે. રેશન કાર્ડ ધારકોને ઈન્ટર સ્ટેટ પોર્ટેબીલીટીના વધુ માર્ગદર્શન માટે જિલ્લા પુરવઠા અધિકારી,રાજકોટનો સંપર્ક કરવા ઉમેરાયું છે.

(3:13 pm IST)