Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

શાહીનબાગ મામલે દખલગીરીનો સુપ્રીમનો ઇન્કાર

હાલ યોગ્ય સમય નથી, હોળી બાદ ૨૩ માર્ચે વધુ સુનાવણી

નવી દિલ્હી તા. ૨૬ : સુપ્રીમ કોર્ટ શાહીન બાગથી નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરૂદ્ઘ ધરણા પર બેઠેલા લોકોને હાટવનાર અરજી પર આજે કહ્યું કે અત્યારે તેની સુનાવણીનો યોગ્ય સમય નથી. કોર્ટે કોઇ વચગાળાનો આદેશ રજૂ કર્યા વગર આગળની સુનાવણી માટે ૨૩મી માર્ચના તારીખ નક્કી કરી છે. કોર્ટે દિલ્હી હિંસા પર પોલીસને યોગ્ય સમય પર કાર્યવાહી ના કરવા પર ખખડાવ્યું અને તેને બ્રિટિશ પોલીસની જેમ કામ કરવાની સલાહ આપી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાહેર રસ્તો પ્રદર્શન માટે નથી. કોર્ટે ટિપ્પણી કરીકે અત્યારે માહોલ આ કેસની સુનવણી માટે યોગ્ય નથી.

કોર્ટ કહ્યું કે કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે. કોર્ટે કહ્યું કે તેઓ દિલ્હી હિંસા સાથે જોડાયેલી કોઇ અરજી પર સુનવણી કરશે નહીં. ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે દિલ્હી હાઇકોર્ટ આ કેસની સુનાવણી કરી રહ્યું છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી હિંસા સાથે જોડાયેલી અરજીને નકારી દીધી.

સુપ્રીમ કોર્ટે નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં હિંસા ભડકાવતા પહેલાં ભડકાઉ નિવેદનવાળા લોકોની વિરૂદ્ઘ કાર્યવાહી નહીં કરવાને લઇ પણ દિલ્હી પોલીસને ખખડાવ્યું. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને યોગ્ય રીતે કામ નહીં કરવાને લઇ કેન્દ્ર સરકારને પણ પ્રશ્ન પૂછયા.

જસ્ટિસ કે.એમ.જોસેફે પોલીસ પર પ્રશ્નો ઉભા કરતાં કહ્યું કે પોલીસે ક્ષમતાથી કામ કર્યું નથી. જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આવી સ્થિતિ ઉભી ના થઇ હોત. જો તમે લોકોને છૂટ આપશો તો મુશ્કેલી ઉભી થશે. જો તમે કાયદા પ્રમાણે કામ કરશો તો આ સ્થિતિ આવે નહીં. તેમણે સરકારને કહ્યું કે જો તમે પોલીસને કાર્યવાહી કરવાની છૂટ આપશો નહીં તો કેવી રીતે થશે? જુઓ બ્રિટનની પોલીસ કેવી કાર્યવાહી કરે છે. શું તેમને કોઇની મંજૂરીની જરૂર હોય છે. જો તોઇ ભડકાઉ નિવેદન આપે છે તો પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.

પ્રદર્શનકારીઓને હટાવા માટે ત્રણ વાર્તાકારો વરિષ્ઠ વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન, અને પૂર્વ મુખ્ય સૂચના આયુકત વજાહત હબીબુલ્લાહને મધ્યસ્થી તરીકે નિમયા હતા. હબીબુલ્લાહે રવિવારના રોજ શાહીન બાગ પ્રદર્શનને યોગ્ય ગણાવતા દિલ્હી પોલીસને જ તેના માટે જવાબદાર ગણાવ્યા હતા. કોર્ટે કહ્યું કે વાર્તાકારોને સફળતા મળી નથી.

કોર્ટે કહ્યું કે મધ્યસ્થોએ પોતાનો રિપોર્ટ દાખલ કરી દીધો છે. દિલ્હી હિંસા પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં દિલ્હી હાઇકોર્ટ સુનવણી કરશે.

(3:20 pm IST)