Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રૂા. ૨૦૦૦ની નોટ બંધ નહિ થાય પણ ધીમે - ધીમે પાછી ખેંચાશે

બેન્‍કીંગ પ્રણાલીમાંથી રૂા. ૨૦૦૦ની નોટ પરત લેવાની પ્રક્રિયા શરૂ : ATMમાં ફેરફાર થઇ રહ્યો છે : ૨૦૦૦ને બદલે ૫૦૦ની નોટ નીકળશે : બેંકોએ ATMમાં ૨૦૦૦ની નોટ નાખવાનું બંધ કર્યું : RBIને પરત મોકલવામાં આવી રહી છે : ATMના ચારમાંથી ત્રણ ખાનામાં ૫૦૦ તથા ચોથા ખાનામાં ૧૦૦ - ૨૦૦ની નોટ મૂકાશે

મુંબઇ તા. ૨૬ : બેંકીંગ પ્રણાલીમાંથી બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે તેના માટે દેશના બે લાખ ચાલીસહજાર એટીએમ મશીનોમાં જરૂરી ફેરફાર થઇ રહ્યા છે. આ એટીએમમાં ૨ હજારની જગ્‍યાએ ૫૦૦ રૂપિયાની નોટો નાખવા માટે ટેકનીકલ ફેરફારો કરાઇ રહ્યા છે. એટીએમના ચાર ખાના (કેસેટ)માંથી ત્રણમાં ૫૦૦ રૂપિયાની નોટો અને ચોથા ખાનામાં ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટ હશે. ઘણાં એટીએમમાં ૨ હજાર રૂપિયાની નોટવાળી કેસેટ પહેલા જ બદલાઇ ચૂકી છે. બેંક હવે પહેલાની જેમ એટીએમમાં ૨ હજાર રૂપિયાની નોટ નથી રાખી રહી અને તેને ધીમે ધીમે રીઝર્વ બેંકને પાછી મોકલાઇ રહી છે.

આરબીઆઇના આંકડાઓ અનુસાર, ૨૦૧૭ના નાણાંકીય વર્ષમાં બેંકીંગ પ્રણાલીમાં કુલ નોટોમાં બે હજાર રૂપિયાની નોટની ભાગીદારી ૫૦.૨ ટકા હતી પણ ૨૦૧૯માં ૫૦૦ રૂપિયાની નોટોની માત્રા વધી ગઇ અને તે ૫૧ ટકા થઇ ગઇ. બેંક, એટીએમ લગાવતી અને કેશ લોજીસ્‍ટીક ફર્મ (સીએલએફ)ના ઘણા સૂત્રોએ જણાવ્‍યું કે, આ ફેરફાર ધીમે ધીમે થઇ રહ્યા હોવાથી ગ્રાકોએ ગભરાવાની જરૂર નથી. બેંકના એક ઉચ્‍ચ અધિકારીએ કહ્યું કે નોટબંધી પછી અર્થવ્‍યવસ્‍થામાં તાત્‍કાલિક રોકડ નાખવા માટે ૨ હજારની નોટો લવાઇ હતી. એટીએમમાં જરૂરી ફેરફારની ઝડપ એન્‍જીનિયરો અને તેમને એક એટીએમથી બીજા એટીએમ સુધી પહોંચવામાં લાગતા સમય પર આધાર રાખશે. એક એટીએમનમાં ફેરફાર કરવામાં લગભગ ૩૦ મીનીટ લાગે છે. સૂત્રો અનુસાર ૨૦૦૦ની નોટની જગ્‍યાએ ૫૦૦ની નોટ મુકવાથી એટીએમમાં પૈસા મુકવામાં થતા ખર્ચમાં જરૂર વધારો થશે કેમકે નોટ મુકવા આવતી ગાડીઓને વધારે ધક્કા ખાવા પડશે.

આર્થિક બાબતોના વિભાગના ભૂતપૂર્વ સચિવ સુભાષ ગર્ગે નવેમ્‍બર ૨૦૧૯માં કહ્યું હતું કે, બે હજારની નોટનો એક મોટો ભાગ ચલણમાં નથી. એટલે રોકડ લેવડ દેવડમાં ૨૦૦૦ની નોટનો ઉપયોગ ઓછો હતો. ગર્ગે કહ્યું હતું કે, બેંકીંગ પ્રણાલીમાંથી આ નોટો નીકળી જવાથી રોકડની કોઇ સમસ્‍યા ઉભી નહીં થાય.

 

(10:49 am IST)