Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મેઘાલય અને નાગાલેન્ડમાં કાલે મજબૂત સુરક્ષા વચ્ચે મતદાન થશે

મેઘાલય અને નાગાલેન્ડમાં કાલે મજબૂત સુરક્ષા વચ્ચે મતદાન થશે

શિલોંગ,કોહીમા,તા. ૨૬ : નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂટણી માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ બન્ને રાજ્યોમાં આવતીકાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાનાર છે. બન્ને રાજ્યોમાં ઉંચા મતદાનની શક્યતા દેખાઇ રહી છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પોતાની તાકાતને વધારી દેવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ જોરદાર પ્રચાર કરી ચુક્યા છે. બન્ને રાજ્યોમાં ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. નાગાલેન્ડમાં આવતીકાલે મતદાન યોજાનાર છે. રાજ્યમાં ૧૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલા છે. નાગાલેન્ડમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે પૈકી અડધાથી વધારે કરોડપતિ છે. નાગા સમસ્યાના ઉકેલ માટે અભિયાનનુ નેતૃત્વ કરી રહેલી કોર કમિટી ઓફ નાગાલેન્ડ હોહોસ એન્ડ સિવિલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચૂંટણીમાં મોટા પાયે હિસ્સો લેવા માટે રાજકીય પક્ષોને અપીલ કરી છે. તમામ રાજકીય પક્ષો દશકો જુની નાગા સમસ્યાને ઉકેલી લેવા માટેની વાત કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર આના માટે એનએસસીએન-આઇએમ અને છ બળવાખોર જુથોના સંગઠન નાગા નેશનલ પોલિટિકલ ગ્રુપ્સ સાથે વાતચીત કરી રહી છે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા ૧૧૮૯૨૬૪ નોંધાઇ છે. જે પૈકી ૨૫૮૭૬ નવા મતદારો નોંધાયા છે. આ વખતે જે મતદારો છે તેમાં ૬૦૦૫૩૬ પુરૂષ અને ૫૮૮૭૨૮ મહિલા મતદારો છે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ૫૫૦ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે તમામ મતદાન કેન્દ્રો પર સીસીટીવી અને ઓફલાઇન વિડિયોગ્રાફી કરવાનો નિર્ણય કર્યો છે.  ભાજપે નાગા પીપલ્સ ફ્રન્ટના નેતૃત્વમાં ડેમોક્રેટિક અલાયન્સ ઓફ નાગાલેન્ડ સાથે પોતાના ૧૫ વર્ષ જુના સંબંધને તોડી લીધા છે. ભાજપે તેની સાથે સંબંધ તોડીને હાલમાં જ રચવામા ંઆવેલા નેશનલ ડેમોક્રેટિક પોલિટિકલ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. રાજ્ય વિધાનસભામાં ૬૦ સીટો છે. આમાંથી ૨૦ અને એનડીપીપી  ૪૦ સીટો પર ચૂંટણી લડનાર છે. એનપીએફે ૫૮ સીટો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ એનપીએફ સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યુ છે.  નાગાલેન્ડમાં છેલ્લા બે વર્ષોમાં નેતૃત્વનુ સંકટ સર્જાઇ ગયુ છે. સ્થાનિક મુદ્દા ચમક્યા બાદ હવે લોકો કોને તક આપે છે તે બાબત ઉપયોગી રહેશે. ત્રિપુરામાં  ૬૦ વિધાનસભા પૈકી ૫૯ સીટ માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉંચુ મતદાન થઇ ચુક્યુ છે. મતદાન પૂર્ણ થયા બાદ ૭૪ ટકાથી પણ ઉંચુ મતદાન થયું હોવાની ચૂંટણી પંચે વાત કરતા ડાબેરીઓ અને ભાજપમાં અટકળોનો દોર શરૂ થયો હતો. ડાબેરીઓ છેલ્લા ૨૫ વર્ષથી સત્તા પર છે. આ વખતે સત્તા ટકાવી શકશે કે કેમ તે અંગેનો ફેસલો હવે મતગણતરીના દિવસે એટલે કે ત્રીજી માર્ચના દિવસે થશે. ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આ ત્રણ રાજ્યો પૈકી ત્રિપુરામાં મતદાન થયા બાદ હવે મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થશે. બીજી બાજુ મેઘાલયમાં ૩૭૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અહીં પણ ઇવીએમ મારફતે મતદાન યોજાનાર છે. મેઘાલયમાં ૩૦૮૩ મતદાન મથકો પર ૧૮.૪ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર એફઆર ખરકોંગનોગે કહ્યુ છે કે ૬૭ ઓલ વુમન પોલિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. ૬૧ મોડલ પોલિંગ સ્ટેશન પ્રથમ વખત ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી મેદાનમાં ૩૨ મહિલાઓ પણ છે. રાજ્યમાં ઇલેક્ટ્રોરલ રાજકારણમાં સૌથી વધારે છે. આવતીકાલે આ રાજ્યમાં ૧૧૯૧૫૧૩ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. જેમાં ૫૮૯૮૦૬ મહિલા છે. ૨૧૫૬ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

નાગાલેન્ડ-મેઘાલય.....

         નવી દિલ્હી, તા. ૨૬ : નાગાલેન્ડ અને મેઘાલયમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

નાગાલેન્ડ વિધાનસભાનું ચિત્ર

કુલ વિધાનસભા બેઠક...................................... ૬૦

ચૂંટણી યોજાશે ...................................... ૫૯ બેઠકો

મતદાનની તારીખ ........................ ૨૭મી ફેબ્રુઆરી

ઉમેદવાર ચૂંટણી મેદાનમાં............................. ૧૯૫

કુલ મતદાનમથકો  સ્થાપિત.......................... ૫૫૦

કુલ મતદારો નોંધાયા.......................... ૧૧૮૯૨૬૪

નવા મતદારો નોંધાયા............................. ૨૫૮૭૬

પુરૂષ મતદારો નોંધાયા.......................... ૬૦૦૫૩૬

મહિલા મતદારો નોંધાયા........................ ૫૮૮૭૨૮

મેઘાલય વિધાનસભાનું ચિત્ર

કુલ વિધાનસભા બેઠક...................................... ૫૯

ચૂંટણી યોજાશે ...................................... ૫૯ બેઠકો

મતદાનની તારીખ ........................ ૨૭મી ફેબ્રુઆરી

ઉમેદવાર ચૂંટણી મેદાનમાં............................. ૩૭૦

કુલ મતદાનમથકો  સ્થાપિત....................... ૩૦૮૩

કુલ મતદારો નોંધાયા........................... ૧૮.૪ લાખ

મહિલા મતદાન મથક...................................... ૬૭

મોડલ પોલિંગ સ્ટેશન...................................... ૬૧

મહિલા ઉમેદવારો............................................ ૩૨

(7:39 pm IST)