Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જો SC દખલ કરશે તો દિકરીઓને પેદા જ નહીં થવા દઇએઃ ખાપ પંચાયત

લખનૌ તા. ૨૬ : સુપ્રિમ કોર્ટે આંતરરાજય કે આતરધર્મ લગ્ન કરવા મામલે ખાપ પંચાયતની ઝાટકણી કાઢી છે. જો કે ખાપ પંચાયતે સુપ્રિમની ઝાટકણીથી સુધરવાના બદલે સુપ્રિમને જ ધમકી આપી દીધી છે કે જો સુપ્રિમ તેમની પ્રાચીન પરંપરાઓમાં હસ્તક્ષેપ કરશે તો તેઓ છોકરીઓને જન્મવા જ નહીં દે.

બાલયાન ખાપના પ્રમુખ નરેશ ટિકૈતે જણાવ્યું છે કે, અમે લોકો સુપ્રિમનું સન્માન કરીએ છીએ, પણ અમે પરંપરાઓમાં કોર્ટની દખલગીરી સહન કરીશું નહીં. જો સુપ્રિમ આ પ્રકારના આદેશ આપશે તો અમે લોકો દિકરીઓને જન્મ જ નહીં આપીએ.

વધુમાં ટિકૈતે કહ્યું હતું કે, અમે દિકરીઓને એટલું નહીં ભણાવીએ કે તે અમારી બાબતોમાં દખલગીરી કરી શકે. વિચારી લો દિકરીઓ ઓછી થઈ જશે તો શું થશે? ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટમાં ખાપ પંચાયતો વિરુદ્ઘ એક PIL કરવામાં આવી હતી કે, 'એક જ ગોત્ર, આંતરરાજય વિવાહ અને આંતરધર્મ વિવાહને રોકવા માટે ખાપ પંચાયત ઓનર કિલિંગને પ્રોત્સાહન આપી રહી છે.'

ટિકૈતે ધમકી આપતાં કહ્યું હતું કે, 'અમે ના તો દિકરીઓ પેદા કરીશું અને ના તો દિકરીઓનો જન્મ થવા દઈશું. માનનીય સુપ્રિમ અમારી પરંપરાઓમાં દખલ ના કરે, નહીં તો છોકરા અને છોકરીઓના પ્રમાણમાં અંતર માટે સુપ્રિમ જવાબદાર રહેશે.'(૨૧.૧૨)

(1:22 pm IST)