Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

'કાર્ડિયાક અરેસ્ટ'થી મોત થાય એટલી ઉંમર શ્રીદેવીની હતી!

મહિલાઓને વધુ ખતરોઃ કોઇ પણ ઉંમરમાં થઇ શકે છેઃ થોડી મિનિટમાં જ મૃત્યુ થાય છે

મુંબઈ તા. ૨૬ : શનિવારે મોડી રાત્રે હૃદયની ગતિ રોકાઈ જવાથી (કાર્ડિયાક અરેસ્ટ) બોલિવૂડ એકટ્રેસ શ્રીદેવીના અચાનક મોત પછી બોલિવૂડ સહિત તેમના ચાહનારા લોકોને આઘાત લાગ્યો છે. દરેકના મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે કે ફિટ અને સ્વાસ્થ્ય દેખાવા પછી પણ અચાનક એવું શું થઈ ગયું કે એક પળમાં જ તેમનું મૃત્યું થઈ ગયું. ડોકટરો મુજબ માણસને કોઈ પણ ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટનો હુમલો થઈ શકે છે.

 

નાણાવટી હોસ્પિટલના હૃદય રોગ તજજ્ઞ ડો. સલીલ શિરોડકરે જણાવ્યું કે લોકોને ભ્રમ હોય છે કે હૃદયની બીમારી ઉમરવાળી વ્યકિતને જ થાય છે અને મોટા ભાગે પુરુષોને જ થાય છે, પણ આ ઘારણા સંપૂર્ણ રીતે ખોટી છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ બીમારીનો પહેલો એપિસોડ લગભગ ૧૦ વર્ષ પછી જોવા મળે છે. જેથી વધતી ઉંમરના કારણે તેમનામાં મૃત્યુદર વધુ હોય છે.

હૃદય સંબંધિત બીમારીઓથી પરેશાન ૬૦ ટકાથી વધુ મહિલાઓના આકસ્મિક મોત થઈ જાય છે, જેમાં સૌથી મોટું કારણ હોય છે તેના લક્ષણ ન દેખાવા. એવામાં મહિલાઓ ખાસ કરીને વધતી ઉંમરની સાથે શારીરિક તપાસ જરુર કરાવવી જોઈએ. તેનાથી માત્ર બીમારીનો ખતરો ઓછો રહે છે, પણ ઉપચારમાં લાગનારો ખર્ચ પણ ઓછો આવે છે. અન્ય તજજ્ઞોએ જણાવ્યું કે ધ્રૂમ્રપાન કરવા અને અનિયમિત જીવન જીવવાથી પણ આ સમસ્યા થાય છે.

બોમ્બે હોસ્પિટલના હ્ર દય રોગના નિષ્ણાંત ડોકટર અનિલ શર્માએ કહ્યું કે જીવનશૈલીમાં બદલાવના કારણે હૃદય સાથે જોડાયેલી બીમારીઓના મામલા પાછલા વર્ષોમાં વધી ગયા છે. જેમાં કાર્ડિયાક અરેસ્ટ મુખ્ય છે. આમ તો કોઈ પણ ઉંમરે આ બીમારીની ચપેટમાં આવી શકે છે, પણ આવા લોકો જેમને હૃદયની કોઈ બીજી બીમારી, પારિવારીક ઇતિહાસ કે ધૂમ્રપાનની આદત છે તેમનામાં સંભાવના વધી જાય છે.

કાર્ડિયાક અરેસ્ટ થવા પર અચાનક માણસના હૃદયની ગતિ રોકાઈ જાય છે, જેમાં મસ્તિસ્કને ઓકિસજન નથી મળતો અને અમુક મિનિટોમાં જ મોત થઈ જાય છે. ડો. શર્માએ જણાવ્યું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને કાર્ડિયાક અરેસ્ટની સમસ્યા વધુ થવાની આશંકા છે.

(11:37 am IST)