Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બપોર સુધી શ્રીદેવીનો પાર્થિવદેહ દુબઇમાં જઃ રહસ્ય સર્જતુ મોતનુ કારણ

શ્રીદેવીની અંતિમવિધિમાં વિલંબઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ- ફોરેન્સીક રિપોર્ટ- બ્લડ સેમ્પલ- વિસેરા મળ્યા બાદ પરિવારજનોને સોંપાશે મૃતદેહઃ ટોકસીકોલોજી રિપોર્ટથી થશે મોત અંગેનો ખુલાસોઃ દુબઇમાં પોલીસે શ્રીદેવીના પતિ બોની કપૂરની પુછપરછ કરીઃ ઓડીયો-વિડીયોથી નિવેદન રેકોર્ડ કરાયું: બપોર બાદ મૃતદેહ સોપાયા બાદ મુંબઇ લવાશેઃ મુંબઇમાં મોડી સાંજે અંતિમયાત્રા નીકળે તેવી શકયતાઃ શ્રીદેવીના નિવાસે ઉમટયુ બોલીવુડઃ શોકનો માહોલ

મુંબઇ તા.૧૬ : ભારતીય સિનેમા જગતની અભિનેત્રી શ્રીદેવીનો મૃતદેહ બપોરે આ લખાય છે ત્યારે હજુ દુબઇમાં જ છે. શ્રીદેવીના મૃત્યુ અંગેના વિવિધ રિપોર્ટ મળવામાં વિલંબ થવાને કારણે બપોર સુધી મૃતદેહ પરિવારજનોને સોપાયો નથી. મૃતદેહ પરિવારજનોને સોપાયા બાદ ખાસ વિમાન દ્વારા મુંબઇ લાવવામાં આવશે અને તે પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સીક રિપોર્ટ, બ્લડ સેમ્પલ-વિસેરા અને મૃત્યુનુ કારણ જેનાથી સ્પષ્ટ થશે તે ટોકસીકોલોજી રિપોર્ટની હજુ રાહ જોવાય રહી છે. દરમિયાન દુબઇ પોલીસે શ્રીદેવીના પતિ બોની કપુરની પુછપરછ કરી છે. મુંબઇમાં શ્રીદેવીના નિવાસસ્થાને અંતિમવિધિ તૈયારી ચાલી રહી છે અને બોલીવુડની અનેક હસ્તીઓ ત્યાં ઉમટી પડી છે. સર્વત્ર શોકનો માહોલ છવાયો છે.

બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીનુ મૃત્યુ શનિવારે રાત્રે થયુ હતુ. જે પ્રકારે તેમનો પાર્થિવદેહ ભારત લાવવામાં વિલંબ થઇ રહ્યો છે. તેની પાછળ અનેક કારણો બહાર આવી રહ્યા છે. અત્યાર સુધી કહેવાતુ હતુ કે, શ્રીદેવીનું મોત કાર્ડીયાક એરેસ્ટને કારણે થયુ છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જયાં સુધી ન આવે ત્યાં સુધી તેની પુષ્ટી થઇ શકે નહી. ગલ્ફ ન્યુઝનુ કહેવુ છે કે જો રિપોર્ટમાં  જણાય કે મોત હાર્ટએટેક કે કાર્ડીયાક એરેસ્ટથી નથી થયુ તો મૃતદેહ મેળવવામાં વધુ વિલંબ થશે. હજુ શ્રીદેવીના બ્લડ અને વિસેરા રિપોર્ટની રાહ જોવાય છે. શ્રીદેવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ચુકયુ છે પરંતુ હજુ રિપોર્ટની રાહ જોવાય છે. આના કારણે ડેથ સર્ટીફીકેટ પણ તૈયાર થઇ શકયુ નથી. બપોર સુધી શ્રીદેવીનો મૃતદેહ પોલીસ કસ્ટડીમાં જ છે. એવી આશા છે કે મોડી સાંજ સુધીમાં પાર્થિવ શરીર મુંબઇ લવાશે.

સ્થાનિક મીડીયાના જણાવ્યા પ્રમાણે આ મોત કોઇ હોસ્પિટલની બહાર થયુ છે તેથી આ કેસમાં પોસ્ટમોર્ટમની જરૂર પડી છે. જો મોત હોસ્પિટલમાં થયુ છે તો તેની જરૂરત જ ન પડત. જયાં સુધી પોલીસને ખાતરી ન થાય કે મોત શંકાસ્પદ નથી ત્યાં સુધી પાર્થિવદેહ પરિવારજનોને સોંપાય.

દરમિયાન દુબઇ પોલીસે શ્રીદેવીના પતિ બોની કપુરનું નિવેદન લીધુ છે. ચાર અધિકારીની ટીમે ઓડીયો અને વિડીયો બંને રીતે બોનીનું નિવેદન રેકોર્ડ કર્યુ છે. નિવેદનની વિધિ સાડા ત્રણ કલાક ચાલી હતી. આ સિવાય પોલીસે ત્રણ વધુ લોકોનુ પણ નિવેદન લીધુ છે જેમાં એ લોકો હતા કે જેઓ શ્રીદેવીને હોસ્પિટલ લઇને આવ્યા હતા. આ સિવાય રશીદ હોસ્પિટલના બે ડોકટરો અને પાંચ કર્મચારીનુ નિવેદન પણ દુબઇ પોલીસે લીધુ છે.

છેલ્લા સમાચાર મુજબ બપોરે ૪ સુધીમાં પાર્થિવદેહ દુબઇથી મુંબઇ રવાના થઇ જશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ શ્રીદેવીનું મોત હાર્ટએટેકથી જ થયુ હતુ.

શ્રીદેવીના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. દુબઇથી તેના પાર્થિવદેહને ખાસ વિમાન મારફત મુંબઇ લાવવામાં આવી રહ્યો છે. કેટલીક દસ્તાવેજી પ્રક્રિયાઓના કારણે પરિવારજનોને મૃતદેહની સોંપણી કરવામાં વિલંબ થયો હતો. મુંબઇના વરસોવા ખાતે આવેલા તેના બંગલા પર અંતિમદર્શન માટે સગા-સ્નેહીઓ-મિત્રો ફિલ્મ જગતની હસ્તીઓ અને ફ્રેન્ડસ પહોંચવા લાગ્યા છે.

દુબઇમાં ગઇકાલે મોડી સાંજે શ્રીદેવીનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. ખાલીજ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે યુએઇના અધિકારીઓએ જણાવ્યુ છે કે, શ્રીદેવીનો પરિવાર પોસ્ટમોર્ટમ પુરૂ થયા બાદ જનરલ ડિપા. ઓફ ફોરેન્સીક એવીડેન્સ તરફથી આવી રહેલા લેબોરેટરી રિપોર્ટની રાહમાં હતો. સમગ્ર પ્રક્રિયા પુરી કર્યા બાદ શ્રીદેવીનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખાસ પ્લેનમાં મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો હતો.

શ્રીદેવીના અવસાનને ૪૪ કલાકથી વધુ સમય થઇ ગયો છે એવામાં ફેન્સમાં એવો સવાલ ઉઠે છે કે તેનો મૃતદેહને ભારત લાવવામાં વિલંબ કેમ ? જવાબ એ છે કે યુએઇના સમય મુજબ કોઇ વિદેશીનું હોસ્પિટલ બહાર મોત થાય તો પોસ્ટમોર્ટમ કરવુ પડે છે. પોલીસ આ કેસમાં પણ આ જ પ્રોટોકોલને અનુસરી રહી છે.

શ્રીદેવીનુ અવસાન કાર્ડીયાક એરેસ્ટને કારણે કહેવાય છે પરંતુ સુત્રો કહે છે કે કોઇ બીજા કારણોસર થયુ છે. જયારે મોત થયુ ત્યારે તે હોટલના રૂમમાં એકલી હતી. સંજય કપુરે જણાવ્યુ હતુ કે, શ્રીદેવીને કોઇ બિમારી ન હતી. હવે વાત સામે આવે છે કે તેણીએ અનેક કોસ્મેટીક સર્જરી કરાવી હતી આવી સર્જરી ર૯ વખત કરાવી હતી. આમાંથી એક સર્જરીમાં ગડબડ થઇ હતી અને તે અનેક દવાઓ લેતી હતી. સાઉથ કેલીફોર્નીયાના તેના ડોકટર તેને અનેક ડાયેટ પીલ્સ લેવાની સલાહ આપી હતી અને તે તેનુ સેવન કરતી હતી. તે એન્ટી એજીંગ દવા પણ લેતી હતી જેનાથી લોહી જાડુ થઇ જાય છે. સુત્રોના કહેવા મુજબ શ્રીદેવીના મોત પાછળ આ એક કારણ છે.

 શ્રીદેવીના નિવાસસ્થાને અનિલ કપુર, રેખા, અર્જુન કપુર, કરણ જોહર, શબાના આઝમી, સ્વરા ભાસ્કર, મનીષ મલ્હોત્રા વગેરે પહોંચ્યા છે.

(3:06 pm IST)