Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પ્રશાંત કિશોર મોદી માટે કરશે પ્રચાર ? બંને વચ્ચે યોજાયા બેઠકોના દોર

ચૂંટણી વ્યુહરચનાના માસ્ટર પ્રશાંત કિશોર ર૦૧૯ની ચૂંટણીમાં મોદીને જીતાડવા મેદાનમાં ઉતરે તેવી શકયતા : ભાજપના અધ્યક્ષ શાહ સાથે પણ બેઠક યોજાઇઃ મતભેદો દુર થયાઃ છ મહિનાથી મોદી અને પ્રશાંત કિશોર એકબીજાના સંપર્કમાં છે

નવી દિલ્હી તા.ર૬ : ચૂંટણીની વ્યુહરચનાઓ તૈયાર કરવાના માસ્ટર એવા પ્રશાંત કિશોર હવે ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શું ટીમ મોદી માટે કામ કરશે ? એવુ જાણવા મળે છે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ફરીથી વડાપ્રધાન મોદીને ર૦૧૯માં ફરીથી ચૂંટી કાઢવા માટે મદદ કરશે. એવુ કહેવાય છે કે આ બંને વચ્ચે તાજેતરના મહિનાઓમાં બેઠક યોજાઇ હતી અને એવુ કહેવાય છે કે પ્રશાંત કિશોર આ વર્ષના અંતથી જ મોદીના પ્રચાર માટેની કામગીરી શરૂ કરી દેશે તેમ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક રાજકીય નેતાએ જણાવ્યુ છે.

અત્રે એ નોંધનીય છે કે, ર૦૧રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અને ર૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પ્રશાંત કિશોરે મોદી માટે કામ કર્યુ હતુ અને બાદમાં મતભેદો ઉભા થતા તેઓ અલગ થયા હતા અને તેને બિહારમાં ગ્રાન્ડ એલાયન્સ અને કોંગ્રેસ માટે કામ કર્યુ હતુ.

હવે મોદી અને પ્રશાંત કિશોર છેલ્લા છ મહિનાથી એકબીજાના વ્યકિતગત સંપર્કમાં છે. બંને વચ્ચે સંભવતઃ ડાયરેકટ મીટીંગ પણ થઇ છે અને સાથે રહીને કામ કરવા માટે ચર્ચા પણ થઇ છે. ર૦૧૯ની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભુમિકાને લઇને પણ ચર્ચા થઇ છે. એવુ પણ કહેવાય છે કે પ્રશાંત કિશોર ભાજપના અધ્યક્ષ અમિત શાહને પણ મળ્યા છે. એવુ કહેવાતુ હતુ કે, ર૦૧૪ની ચૂંટણી બાદ અમિત શાહ સાથે મતભેદો થતા પ્રશાંત કિશોર ભાજપથી અલગ થયા હતા.

હવે એવુ કહેવાય છે કે, જો કે હજુ કશુ ફાઇનલ થયુ નથી પરંતુ તેઓ મોદીના વ્યકિતગત પ્રચાર માટે કામ કરે તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે પ્રશાંત કિશોર રાજકીય વ્યુહરચનાઓ ઘડવામાં, માઇક્રો પ્રચાર અભિયાન કરવામાં, કોમ્યુનિકેશન, સંદેશાઓ અને ભાષણો તૈયાર કરવામાં નિષ્ણાંત છે. તેઓ ટીકીટ વહેચણીની વ્યુહરચનામાં પણ તેઓ માહેર છે. ર૦૧૯માં તેઓ બ્રાન્ડ મોદી માટે કામ કરે તેવી શકયતા છે. મતદારોને કયા સંદેશાઓ આપવા તેના ઉપર તેઓ ધ્યાન કેન્દ્રીત કરશે.

ભુતકાળમાં તેઓએ નીતિશકુમાર માટે, પંજાબના સીએમ અમરીન્દર સિંહ માટે પણ કામ કર્યુ હતુ. તેમણે આંધ્રપ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસ માટે પણ કામ કર્યુ હતુ.(૩-૪)

(9:56 am IST)