Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

એક પરિવારના 48 વર્ષના રાજ સામે સરકારના 48 માસના કામની તુલના કરો : પુડ્ડુચેરીમાં વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહારો

બુદ્ધિજીવીઓ બંનેની સરકારોની સિદ્ધિની મુલવણી કરે : પુડ્ડુચેરીમાં વર્ષોથી પંચાયતોની ચૂંટણી થવા દેવાતી નથી ધારાસભ્યોને વિધાનસભામાં કામ કરવા દેવામાં આવતું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુડ્ડુચેરીમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ લોકશાહીનું નાટક કરે છે.તેઓએ ક્હ્યુ હતું કે એક પરિવારે 48 વર્ષ રાજ કર્યું અને તેમણે 48 માસ કામ કર્યું છે. બુદ્ધિજીવીઓ બંનેની સરકારોની સિદ્ધિઓની મુલવણી કરે વડાપ્રધાનએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતા માત્ર પુડ્ડુચેરીમાં જ કોંગ્રેસના નેતા નારાયણસામી મુખ્યપ્રધાન રહેશે તેવો કટાક્ષ પણ કર્યો છે.

પુડ્ડુચેરીમાં જાહેરસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર કોંગ્રેસ અને ગાંધી-નહેરુ પરિવારને નિશાને લીધો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે લોકોએ જોવું જોઈએ કે એક પરિવારના 48 વર્ષના શાસનની સરખામણીએ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે 48 માસમાં શું કર્યું છે? તેમણે કહ્યુ છે કે બુદ્ધિજીવીઓ કોંગ્રેસ સરકાર અને ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારના કાર્યકાળમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓ વચ્ચેના અંતર પર ચર્ચા કરી શકાય છે.

વડાપ્રધાન મોદીએ પુડ્ડુચેરીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન તંત્ર બદહાલ હોવાનું જણાવીને આ કેન્દ્રશાસિત પ્રદેશ કોંગ્રેસ સંસ્કૃતિનો શિકાર હોવાનું જણાવ્યું હતું. પુડ્ડુચેરીમાં કોંગ્રેસના નેતા નારાયણસામી હાલ મુખ્યપ્રધાન છે. વડાપ્રધાને સવાલ કર્યો છે કે પુડ્ડુચેરી પાસે તમામ સંસાધન અને ઈચ્છાશક્તિ છે. પરંતુ યોગ્ય સ્તર પર તેનો વિકાસ કેમ થઈ શક્યો નથી?  પુડ્ડુચેરીમાં સત્તા ચલાવનારા દળોએ અહીંના લોકોની સાથે અન્યાય કર્યો છે.

ભારત બાદ સ્વતંત્રતા પ્રાપ્ત કરનારા દેશો વિકાસના મામલે ભારત કરતા આગળ નીકળી ગયા હોવાનો મામલો ઉઠાવતા કહ્યું કે આપણે ખુદને સવાલ કરવો જોઈએ કે આપણી રાજકીય સંસ્કૃતિમાં અને સિસ્ટમમાં આખરે શું ઉણપ છે કે આપણે હજીપણ ઘણાં દેશોથી પાછળ ચાલી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર લોકશાહીનું નાટક કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસના નેતા લોકશાહીની વાતો કરે છે. પરંતુ તેઓ પુડ્ડુચેરીમાં વર્ષોથી પંચાયતોની ચૂંટણી થવા દેવાતી નથી. પુડ્ડુચેરીમાં જનતાના ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભામાં કામ કરવા દેવામાં આવતું નથી.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે જૂન બાદ કોંગ્રેસના એકમાત્ર મુખ્યપ્રધાન પુડ્ડુચેરીના નારાયણસામી રહેવાના છે. તેમણે પોતાના સંબોધનમાં પૂર્વોત્તર અને કર્ણાટકની ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થવાની હોવાનું જણાવ્યું છે.

વડાપ્રધાન મોદી રવિવારે સવારે કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરી પહોંચ્યા હતા. એરપોર્ટ પર પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી અને મુખ્યપ્રધાન વી. નારાયણસામીએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાન મોદીએ શ્રીઅરબિંદો આશ્રમની પણ મુલાકાત લીધી હતી અને શ્રીઅરબિંદોની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

(12:00 am IST)