Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

મેલબોર્નમાં ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડઃ ઓસ્ટ્રેલિયાના કેનબેરા સ્થિત ભારતીય હાઈ કમિશને સખત વાંધો વ્યક્ત કર્યો

ખાલિસ્તાન સમર્થકો પર મંદિરોમાં તોડફોડ કરવાનો આરોપઃ મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા

નવી દિલ્‍હીઃ  ઓસ્ટ્રેલિયામાં તાજેતરના દિવસોમાં હિન્દુ મંદિરો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના પર ઓસ્ટ્રેલિયાના કેનબેરા સ્થિત ભારતીય હાઈ કમિશને સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય હાઈ કમિશને એક નિવેદન જારી કરીને હિંદુ મંદિરો પર હુમલાની ટીકા કરી છે અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી ગતિવિધિઓ પર પણ ચિંતા વ્યક્ત કરી છે.

હાઈ કમિશને કહ્યું છે કે, અમે મેલબોર્નમાં ત્રણ હિન્દુ મંદિરોની તોડફોડની સખત નિંદા કરીએ છીએ. આ સ્પષ્ટપણે શાંતિપૂર્ણ અને બહુધાર્મિક ભારતીય ઓસ્ટ્રેલિયન સમાજમાં નફરત અને વિભાજન વાવવાનો પ્રયાસ છે.

હાઈ કમિશને કહ્યું કે, "એવા સંકેતો છે કે ખાલિસ્તાન તરફી તત્વો ઓસ્ટ્રેલિયામાં તેમની પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે અને તેમને શીખ ફોર જસ્ટિસ જેવા ઘોષિત આતંકવાદી સંગઠનો અને ઓસ્ટ્રેલિયા બહારની એજન્સીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે." તાજેતરના સમયમાં તેમાં વધારો થયો છે. ભારતીય હાઈ કમિશને કહ્યું કે, અમે અમારી ચિંતાઓ ઓસ્ટ્રેલિયન સરકાર સાથે શેર કરી છે. આ સાથે, અમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન, સિડનીમાં યોજાનાર શીખ ફોર જસ્ટિસ સંસ્થાના કથિત જનમત સંગ્રહને લઈને ઓસ્ટ્રેલિયાની સરકાર સાથે અમારી ચિંતા પણ શેર કરી છે. હાઈ કમિશને કહ્યું કે ઓસ્ટ્રેલિયન સરકારને ભારતીય સમુદાયની સુરક્ષા અને તેમની મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને મંજૂરી ન આપવા વિનંતી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી છે. ખાલિસ્તાન સમર્થકો પર મંદિરોમાં તોડફોડ કરવાનો આરોપ હતો. મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. પીએમ મોદીના વિરોધી અને આતંકવાદી ભિંડરાવાલાના સમર્થનમાં મંદિરની દિવાલો પર નારા લખવામાં આવ્યા હતા. આ ઘટનાઓને કારણે ઓસ્ટ્રેલિયાના હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

(1:10 pm IST)