Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને સંપૂર્ણ પાયાવિહોણો અને આરોપો તથ્ય વગરના અને બદ ઈરાદાથી પ્રેરિત ગણાવ્યો

અદાણી ગ્રૂપના સીએફઓ જુગશિન્દર સિંઘે કહ્યું- તેઓ આશ્ચર્યચકિત છે કે હિંડનબર્ગ રિસર્ચે અમારો સંપર્ક કરવા અથવા તથ્યપૂર્ણ મેટ્રિક્સને ચકાસવાનો કોઈ પ્રયાસ કર્યો નથી : રિપોર્ટમાં પાયાવિહોણા અને બદનક્ષીભર્યા તથ્યો જેવા મસાલા ભેળવીને બનાવવામાં આવ્યા

મુંબઈ : અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને સંપૂર્ણ પાયાવિહોણો અને તથ્યોથી પરેજ ગણાવ્યો છે. અદાણી ગ્રૂપના સીએફઓ જુગશિન્દર સિંઘે કહ્યું છે કે, કંપની પર લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી અને તે બદ ઈરાદાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે કે હિંડનબર્ગ રિસર્ચે અમારો સંપર્ક કરવા અથવા તથ્યપૂર્ણ મેટ્રિક્સને ચકાસવાનો કોઈ પ્રયાસ કર્યો નથી અને 24 જાન્યુઆરી 2023ના રોજ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો

  અદાણીના ગ્રૂપના સીએફઓ જુગશિન્દર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રિપોર્ટ ખોટી માહિતીથી ભરેલો છે. અદાણી ગ્રુપે કહ્યું છે કે આ રિપોર્ટમાં પાયાવિહોણા અને બદનક્ષીભર્યા તથ્યો જેવા મસાલા ભેળવીને બનાવવામાં આવ્યા છે. જેને ભારતની સર્વોચ્ચ અદાલતે પણ ફગાવી દીધા છે.

  અગાઉ, હિંડનબર્ગે એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં જણાવાયું હતું કે અદાણી ગ્રુપ યુએસ ટ્રેડેડ બોન્ડ્સ, નોન-ઇન્ડિયન આધારિત ડેરિવેટિવ્ઝ અને નોન-ઇન્ડિયન ટ્રેડેડ રેફરન્સ સિક્યોરિટીઝ દ્વારા શોર્ટ સેલિંગ કંપનીઓ છે. કંપનીએ અહેવાલમાં એકાઉન્ટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સને લગતી બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

  આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઈઝમાં 8 વર્ષના સમયગાળા દરમિયાન પાંચ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર કામ કરતા હતા. જેઓ કંપનીને એકાઉન્ટિંગ સંબંધિત વિસંગતતાઓ વિશે ચેતવણી આપતા હતા.

કંપનીઓ પર ઓવરવેલ્યુ દર્શાવવાનો આરોપ હિંડનબર્ગના આ રિપોર્ટમાં કરાયો છે. અદાણી ગ્રુપની 7 મોટી કંપનીઓ જે શેરબજારમાં લિસ્ટેડ છે તેનું મૂલ્ય 85 ટકાથી વધુ છે. ઓગસ્ટ 2022માં, ફિચ ગ્રૂપની ફિક્સ્ડ ઇન્કમ રિસર્ચ ફર્મ, ક્રેડિટસાઇટ્સે જૂથના દેવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ક્રેડિટસાઇટ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2022માં કંપનીનું દેવું વધીને 2.2 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું

આ અહેવાલ આવ્યા બાદ બુધવારે અદાણી ગ્રૂપની 7 લિસ્ટેડ કંપનીઓના શેરમાં 5 ટકાથી 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 6 અબજ ડોલર એટલે કે 46 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી, ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર્સની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $120.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે.

(12:34 am IST)