Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

દિલ્હીમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની 250થી વધુ જાટ નેતાઓ સાથે મુલાકાત :ભાજપને મત આપવા અપીલ

અમિતભાઈ શાહે જાટ સમુદાયની સાથે 650 વર્ષ જૂનો સંબંધ વર્ણવતા કહ્યું-કે તમે મુગલો વિરુદ્ધ લડાઈ લડી, અમે પણ લડી રહ્યાં છીએ

ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં 250થી વધુ જાટ નેતાઓ સાથે દિલ્હીમાં મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ  શાહે સમુદાયના નેતાઓને અપીલ કરી કે 2014, 2017 અને 19ની જેમ આ વખતે પણ ભાજપને મોટી સંખ્યામાં વોટ આપો. જાટ સમુદાયને આપેલા સન્માન અને 2017 પહેલાની કાયદો-વ્યવસ્થાને યાદ અપાવતા ભાજપના પૂર્વ અધ્યક્ષે 2014, 2017 અને 2019માં ભાજપની સરકાર બનાવવા માટે સમુદાયને શ્રેય આપ્યો હતો. 

સૂત્રો પ્રમાણે અમિતભાઈ  શાહે જાટ સમુદાયની સાથે 650 વર્ષ જૂનો સંબંધ જણાવતા કહ્યું કે તમે મુગલો વિરુદ્ધ લડાઈ લડી, અમે પણ લડી રહ્યાં છીએ. જાટ પણ કિસાનો માટે વિચારે છે અને ભાજપ પણ. જાટ દેશની સુરક્ષાનું વિચારે છે અને ભાજપ પણ. શાહે કહ્યુ કે જો કોઈ ફરિયાદ છે તો તેની સાથે ઝગડો કરી શકો, પરંતુ પાર્ટી સાથે કોઈ નારાજગી ન રાખવામાં આવે. ભાજપના પૂર્વ અધ્યક્ષે 2014, 2017 અને 2019ની ચૂંટણીમાં મળેલા સમર્થનનો ઉલ્લેખ કરતા કહ્યુ- અમે જ્યારે આવ્યા તમારે તમે મતનો થેલો ભરી દીધો. ઘણીવાર તમારી વાત ન માતી તો પણ તમે અમને મત આપ્યા હતા.

3 વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ્દ કર્યા બાદ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સ્થિતિઓને ભાજપ તરફ અનુકૂળ બનાવવાના પ્રયાસ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે બુધવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના જાટ નેતાઓ સાથે સંવાદ કર્યો હતો. દિલ્હીથી ભાજપ સાંસદ પ્રવેશ સાહિબ વર્માના આવાસ પર યોજાયેલી બેઠકને સામાજિક ભાઈચારા બેઠકનું નામ આપવામાં આવ્યું હતું. 

બેઠકમાં જાટ સમુદાયના 250 થી વધુ પ્રબુદ્ધ લોકો અને તેમના સંબંધિત વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓ ઉપરાંત ભાજપના ઉત્તર પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને બાગપતના સાંસદ સત્યપાલ સિંહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પ્રવેશ વર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે જાટ નેતાઓમાં ભાજપ સામે જે નારાજગી હતી તે હવે રહી નથી.

(7:47 pm IST)