Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

રાયબરેલીના મહારાજગંજ વિસ્તારના પહાડપુરમાં દારૂ પીવાથી 6 લોકોના મોત : 4 લોકોની હાલત ગંભીર

પહાડપુરા સ્થિત એક દેશી દારૂના ઠેકા પરથી ખરીદીને દારૂ પીધી હતી:મોડી રાત્રે ડઝન લોકોની હાલત ખરાબ થઈ

ઉત્તર પ્રદેશના રાયબરેલીના મહારાજગંજ વિસ્તારના પહાડપુર ગામમાં દારૂ પીવાથી 6 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ બનાવ મંગળવારે મોડી રાતે બન્યો હતો. માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ વૈભવ શ્રીવાસ્તવ, અધિક પોલીસ અધિક્ષક વિશ્વજીત શ્રીવાસ્તવ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ પોલીસ દળ સાથે ગામમાં પહોંચી ગયા હતા. કેટલાક લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જેમાં 4 લોકોની હાલત હજુ પણ ગંભીર છે.

 

ગામ લોકોના જણાવ્યા પ્રમાણે મંગળવારે મોડી સાંજે લોકોએ પહાડપુરા સ્થિત એક દેશી દારૂના ઠેકા પરથી ખરીદીને દારૂ પીધી હતી. ત્યારબાદ મોડી રાત્રે ડઝન લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ તેઓને મહારાજગંજ સ્થિત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર(સીએચસી)માં પહોંચાડ્યા હતા જ્યાં પહાડપુર નિવાસી સુખરાની (ઉંમર 65 વર્ષ) અને રામસુમેર પુત્ર ગજોધર (ઉંમર 40 વર્ષ)ને ડોક્ટર્સે મૃત જાહેર કર્યા હતા. સરોજ યાદવ (ઉંમર 40 વર્ષ)નું ગામમાં જ મૃત્યુ થયું હતું. આખા છટા માજરે પહાડપુરના રહેવાસી વંસીલાલના પુત્ર દ્વારિકા (ઉંમર 60 વર્ષ)નું પણ તેમના ઘરે જ અવસાન થયું ગયું હતું. જિતેન્દ્ર ઉર્ફે પંકજ સિંહ (ઉંમર 35 વર્ષ)ની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું જણાવી રહ્યા છે.

દારૂ પીનારા લોકોમાં હજુ પણ અડધો ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર છે. તેમની સારવાર ઉચ્ચ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. ક્ષેત્ર અધિકારી રામ કિશોરે જણાવ્યું કે, એક મહિલા સહીત 6 લોકોના મોત થઈ ગયા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

 

ઝેરી દારૂથી રાયબરેલીમાં અગાઉ પણ મૃત્યુ થઈ ચુક્યા છે તેમ છતાં વહીવટી તંત્ર સતર્ક થતું નથી. છેલ્લી ઘટના 5 વર્ષ પહેલા બછરાવામાં થઈ હતી જ્યાં ઝેરી દારૂ પીવાથી અડધો ડર્ઝન લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ઘણો આક્રોશ પણ હતો. આ કેસમાં કેટલાક પોલીસ કર્મચારીઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ કાળા કારોબારને ડામવા માટે ખાસ કંઈ કરવામાં આવ્યું નથી. પરિણામે જિલ્લામાં ફરી એકવાર નકલી દારૂના કારણે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

(7:33 pm IST)