Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ટેલિ કન્સલ્ટેશન પર ધ્યાન કેન્દ્રીત કરવા રાજ્યોને કેન્દ્રની સલાહ

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો સાથે કોવિડની સ્થિતિની સમીક્ષા કરી : રાજ્યોને આરોગ્ય માળખાને મજબૂત કરવા, ટેલી-કન્સલ્ટેશન હબની સમીક્ષા અને ઉપલબ્ધ સેવાઓ વિશે જાગૃતિ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી

નવી દિલ્હી, તા.૨૫  : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ૯ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-૧૯ માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રસીકરણની પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે ઈ-સંજીવની જેવા ટેલી-કન્સલ્ટેશન માધ્યમો પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું. આ સાથે, તેમણે હોમ આઇસોલેશનમાં રહેતા લોકો પર કાર્યક્ષમ દેખરેખ રાખવા માટે પણ વિનંતી કરી. ન્યૂઝ એજન્સીના અનુસાર, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બેઠકમાં સામેલ થયા તેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢનો સમાવેશ થાય છે. અગાઉ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ દીવના આરોગ્ય પ્રધાનો અને મુખ્ય સચિવો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાને રાજ્યોને આરોગ્ય માળખાને મજબૂત કરવા, દરેક જિલ્લામાં ટેલી-કન્સલ્ટેશન હબ સ્થાપવાની સમીક્ષા કરવા અને ઉપલબ્ધ સેવાઓ વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં દરરોજ કોરોના સંક્રમણના લાખો કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-૧૯ સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો સરકારી સૂત્રોનું માનીએ તો ૧૫ ફેબ્રુઆરી પછી દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે રસીકરણને કારણે રોગચાળાના ત્રીજા મોજાની અસર ઓછી રહી છે. તમને જણાવી દઈએ કે સોમવારે દેશમાં કોરોનાના ૩,૦૬,૦૬૪ નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન ચેપને કારણે ૪૩૯ લોકોના મોત થયા હતા, જ્યારે તેના એક દિવસ પહેલા ૩.૩૩ લાખ અને તેના એક દિવસ પહેલા ૩.૩૭ લાખ નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પૂર્ણ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ થયા હતા. આ પછી ૨૮ સપ્ટેમ્બરે આંકડો ૬૦ લાખ થઈ ગયો, ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ થયો, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ થયો અને ૨૦ નવેમ્બરે કુલ કેસનો આંકડો ૯૦ લાખ પર પહોંચ્યો હતો. જે પછી ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસ ૧ કરોડને પાર થયા હતા. જે બાદ ૪ મે ૨૦૨૨ના રોજ કોરોનાના કુલ કેસ ૨ કરોડ થઈ ગયા હતા અને ૨૩ જુન ૨૦૨૨ના રોજ કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા હતા.

(12:00 am IST)