Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

દિલ્હી-એનસીઆર,યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાડ ગાળતી કાતિલ ઠંડી

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા:મેદાની વિસ્તારોમાં તેની અસર હેઠળ શીતલહેરનો કેર : મનાલી, મસૂરી અને શિમલામાં તાપમાન માઈનસ એક ડિગ્રીએ પહોંચી ગયું

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર, યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા થોડા દિવસોથી હાડ ગાળતી ઠંડી પડી રહી છે. પરંતુ લોકોને હજુ આ ઠંડીથી છુટકારો મળી શકે તેમ નથી. હવામાન વિભાગે કહ્યું છે કે લોકોએ આકરી ઠંડીનો હજુ થોડા દિવસ સુધી સામનો કરવાનો રહેશે.

એક તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો મેદાની વિસ્તારોમાં તેની અસર હેઠળ શીતલહેરનો કેર જોવા મળી રહ્યો છે. મનાલી, મસૂરી અને શિમલામાં તાપમાન માઈનસ એક ડિગ્રીએ પહોંચી ગયું. જ્યારે મેદાની વિસ્તારમાં દિલ્હીમાં છ ડિગ્રી. જયપુરમાં સાત ડિગ્રી અને ભોપાલમાં આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે

ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ છે. ઉત્તર પ્રદેશના લખનૌ. અલ્હાબાદ. ઝાંસી અને કાશી સહિત તમામ શહેરોમાં શીતલહેર ચાલી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બેથી ત્રણ દિવસ દેશના ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં શીતલહેર હજુ આકરી બનશે અને દિવસના સમયે પણ ઠંડી અનુભવાશે.

ઝારખંડ, બિહાર જેવા પૂર્વના રાજ્યોમાં પણ ઘણી ઠંડી પડી રહી છ. હવામાન વિભાગ મુજબ ઝારખંડથી પંજાબ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહીછે. જેના કારણે કમોસમી વરસાદ વરસ્યો અને હવે ઠંડીમાં વધારો થયો. મેદાન વિસ્તારોમાં તો નહીં પરંતુ 29 જાન્યુઆરી બાદ પહાડો પર ફરીથી હિમવર્ષાનો તબક્કો શરૂ થઈ શકે છે. આ ઉપરાંત 24 કલાકમાં બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં હળવો વરસાદ વરસી શકે.

(12:00 am IST)