Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ભારતની સંસદમાં અત્યાર સુધી 126 બંધારણ સુધારક કાયદા રજૂ કરવામાં આવ્યા

અમદાવાદઃ ભારતની સંસદમાં અત્યાર સુધી 126 બંધારણ સુધારક કાયદા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં 104 બંધારણ સુધારા કાયદા મંજૂર થયા હતા અને તેમા સુધારો થયો હતો. ભાષાના આધારે કરવામાં આવેલી રાજ્યોની પુર્નરચનાથી લઈને અનામત આપવા સુધીમાં અનેક સુધારા દેશના બંધારણમાં કરવામાં આવ્યા છે.

દેશમાં બંધારણ બન્યા બાદ અત્યાર સુધી મહત્વના સુધારા કરાયા તેના પર નજર નાખીએ.

ભારતીય બંધારણમાં પહેલો સુધારો

ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ બંધારણનો પહેલો ખરડો સંસદમાં 10 મે 1951ના દિવસે રજૂ કર્યો હતો અને તેને 18 જૂન 1951ના દિવસે પાસ કરવામાં આવ્યો હતો. અનુચ્છેદ અનુસાર નાગરિકોને મળતા મૌલિક અધિકારોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા. દેશના નાગરિકને પોતાના વિચારો અને જાહેરમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર મળ્યો.

ભાષાના આધાર પર રાજ્યોની પુર્નરચના

ભારતીય બંધારણમાં વર્ષ 1956માં સાતમો સુધારો લાગુ કરવામાં આવ્યો હતો. સુધારાના આધારે દેશના રાજ્યોની પુર્નરચના કરવામાં આવી હતી. જેનાથી રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશનું વિભાજન કરવામાં આવ્યુ હતું. સુધારા સાથે દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોની પુર્નરચના કરાઈ હતી.

પક્ષપલટો કાયદો

વર્ષ 1985માં બંધારણમાં 52માં કાયદામાં 10મી અનુસૂચી ઉમેરવામાં આવી. કાયદાને પક્ષ પલટો વિરોધી કાયદો કહેવાય છે. કાયદા અંતર્ગત જે નેતા પોતાનો પક્ષ બદલે તેની સદસ્યતા રદ કરી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે.

99માં કાયદાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ન્યાયિક આયોગે બનાવેલી સમિતિ અંતર્ગત 99માં કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યોસુપ્રીમ કોર્ટે 16 ઓકટોબર 2015ના દિવસે 22 વર્ષ જૂની કોલેજિયમ પેનલની જગ્યા લેનાર NJC કાયદો 2014ને રદ કરી દેવામાં આવી હતી. 5 જજોની ખંડપીઠે 4-1 ની બહુમતિથી નિર્ણય લીધો

GST વ્યવસ્થા કાયદો લાગુ કરાયો

ભારતમાં વસ્તુ અને સેવા પર એક પ્રણાલીનો કર લાગુ કરાયો. જેમાં ભારતીય બંધારણના 101માં સુધારો કરવામાં આવ્યો. સુધારાથી રાજ્યોના વચ્ચે અન્ય કર પ્રણાલીઓ દૂર કરી એકસમાન કર રાખવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં દરેક વસ્તુના વેચાણ અને સેવાઓ પર એકસમાન કર રાખવામાં આવ્યો છે.

આર્થિક રીતે પછાત વર્ગ(EBC) માટે 10 ટકા અનામત

ભારતીય બંધારણના 124માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો. સુધારામાં સામાન્ય વર્ગમાં આવતા આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવાઈ. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 165 મત પડ્યા હતા તો 7 લોકોએ તેનો વિરોધ કર્યો હતો. લોકસભામાં બિલના સમર્થનમાં 323 મત તો તેના વિરોધમાં 3 મત પડ્યા હતા.

નાગરિકતા કાયદો 2019

વર્ષ 2019માં નાગરિકતા બિલ (CAB) પસાર થયું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે નાગરિકતા કાયદો (CAA) બન્યો. નાગરિકતા કાયદો વર્ષ 1955ના કાયદામાં સુધારો કરવા માટે લાવવામાં આવ્યો હતો. નાગરિકતા કાયદો 1955માં અત્યાર સુધી 5 વખત સંશોધન કરવામાં આવ્યુ હતું. કાયદો 3 દેશોના 6 સમુદાયના લોકોને નાગરિકતા આપે છે. કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો કે અનુચ્છેદ 14નું ઉલ્લંઘન થાય છે

બંધારણમાં અંતિમ સુધારો

2 ડિસેમ્બર 2019ના દિવસે 126માં બંધારણમાં સુધારો લાવવામાં આવ્યો. ભારતીય બંધારણનો 104મો અનુચ્છેદ હતો. અંતર્ગત લોકસભા અને વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો માટેની અનામતની અવધી 10 વર્ષ માટે વધારવામાં આવી. પહેલા અનામતની સીમા 25 જાન્યુઆરી 2020 સુધીની હતી.

(11:07 am IST)