Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

ચીનમાં ફેલાયેલાં કોરોના વાયરસએ કહેર વર્તાવ્યો : 56 લોકોના મોત: 1975 બીમાર અને 324 ગંભીર

અત્યાર સુધીમાં કુલ 2684 લોકો આ રોગમાં સપડાયા

ચીનમાં કોરોના વાયરસને કારણે મૃતાંક રવિવારે 56 પર પહોંચી ગયો છે. આ સાથે 1975 લોકો તેનાથી પીડિત હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 324 લોકોની હાલત ગંભીર છે. ચીની આરોગ્ય પ્રશાસને આ માહિતી આપી છે.

ચીનમાં ફેલાયેલા આ રોગને ન્યુમોનિયાના નવા પ્રકાર તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે, જેને 2019-NCOV નામ આપવામાં આવ્યું છે. ચીનમાં વાયરસથી અત્યાર સુધીમાં 56 લોકોનાં મોત નીપજ્યાં છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આ માહિતી ઉપલબ્ધ કરાવી છે. કમિશને કહ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 2684 લોકો આ રોગમાં સપડાયા છે.

આ રોગનું કેન્દ્ર વુહાન અને હુબેઈ પ્રાંતના અન્ય 17 શહેરોમાં જણાવાયું છે, જ્યાં વાયરસથી સૌથી વધુ લોકોના મોત થયા છે. પરંતુ હવે આવા કેસીસ બેઇજિંગ સહિત ચીનના અન્ય પ્રાંત અને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે.

25 જાન્યુઆરી સુધીમાં, હુબેઇ પ્રાંતમાં વાયરસથી સંક્રમિત 323 લોકોની ઓળખ કરવામાં આવી છે. અહીં 13 વધુ લોકોના મોત થયાના અહેવાલો છે. પ્રાંતમાં 25 જાન્યુઆરી સુધીમાં કુલ 1052 કેસ મળી આવ્યા છે, જેમાંથી 129 ની હાલત ગંભીર છે. અહીં અત્યાર સુધી 52 લોકોના મોત નિપજયાં છે. સરકારી ગ્લોબલ ટાઇમ્સે આ સમાચાર આપ્યા છે.

બેઇજિંગમાં શનિવાર સુધી કોરોના વાયરસના દસ નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ શહેરમાં આ રોગથી પીડિત લોકોની સંખ્યા 51 પર પહોંચી ગઈ છે. પરિસ્થિતિ વધુ વણસી જતા રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે કહ્યું હતું કે ચીન 'ગંભીર પરિસ્થિતિ' નો સામનો કરી રહ્યું છે, પરંતુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોરોના વાયરસ સામેની આ લડાઇ ચીન જીતી લેશે.

(9:29 pm IST)