Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

25000 લાવારિસ શવનો અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રી પુરસ્કાર

મોહમ્મદ શરીફે લગભગ 25 વર્ષોથી લાવારિસ શવની અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી ઉઠાવી છે

નવી દિલ્હી : વર્ષ 2020 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવનારા લોકોના નામો ભારત સરકારે જાહેર કર્યા છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં સામેલ કેટલાક લોકોની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે. તેમાંથી એક નામ મોહમ્મદ શરીફનું પણ છે. તો ચાલો તમને જણાવી દઇએ કે આખરે કોણ છે આ મોહમ્મદ શરીફ જેને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.

શરીફ ચાચાના નામે ઓળખાતા મોહમ્મદ શરીફ અયોધ્યામાં 'ખીડકી અલી બેગ' મોહલ્લાના રહેવાસી છે. મોહમ્મદ શરીફે લગભગ 25 વર્ષોથી લાવારિસ શવની અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી ઉઠાવી છે. આસપાસના લોકો તેમને શરીફ ચાચા કહીને બોલાવે છે. ફૈઝાબાદ અને તેની આસપાસ આવેલા નજીકના વિસ્તારોથી મળીને અત્યાર સુધી તેમણે લગભગ 25 હજાર મૃતકોના અંતિમ સંસ્કાર રીત-રિવાજ અનુસાર કર્યા છે. શરીફ ચાચા વ્યવસાયિક રીતે સાઇકલ મેકેનિક છે.

મોહમ્મદ શરીફનું કહેવું છે કે, તેમણે ક્યારેય મૃતકોને ધર્મના આધારે અંતિમ સંસ્કાર કરવા માટે ભેદભાવ કર્યો નથી. મૃતક વ્યક્તિને ધ્યાનમાં લઇને જ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો મૃતક મુસ્લિમ વ્યક્તિ હોય તો દફનાવવામાં આવે છે અને હિન્દુ હોય તો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. શરીફ ચાચાની લાવારિસ શવની સારસંભાળ અને અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવવા પાછળ એક મોટી દર્દનાક કહાની છે. શરીફ ચાચાના એક દીકરાની હત્યા કરીને તેમના દીકરાની બોડીને ક્યાંક ફેકી દેવામાં આવી હતી. ખૂબ શોધખોળ કર્યા પછી પણ બોડી મળી ન શકી. ત્યારથી શરીફ ચાચાએ લાવારિસ બોડીઓની અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી છે.

(8:44 pm IST)