Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

પંજાબના બરનાલાની એક યુવતીએ મલેશિયામાં ફાંસોખાઇ કરી આત્‍મહત્‍યા : બનાવનો વીડીયો પણ વાઇરલ કર્યો : બે યુવકોની પજવણીથી આ પગલુ ભર્યાનું અનુમાન

પંજાબના બરનાલામાં રહેતી એક યુવતીએ મલેશિયામાં 2 યુવકોથી હેરાન થઈને લાઈવ વીડિયો કોલિંગ પર પંખા સાથે ફંડો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી અનુસાર, મૃતક મનુ રાનીને બે આરોપીઓ છેલ્લાં ઘણા સમયથી હેરાન કરી રહ્યા હતા, જેની ફરિયાદ પહેલા બરનાલા પોલીસને કરવામાં આવી હતી, પરંતુ આરોપ છે કે, પોલીસે તેને ગંભીરતાથી ના લીધું. જેના કારણે માસૂમ યુવતીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

આ અંગે આત્મહત્યા કરનારી મનુના પિતા કુલવિંદર સિંહે કહ્યું હતું કે, તેમની દીકરી મનુની ઉંમર 21 વર્ષ હતી. તેમણે ગત વર્ષે જ મનુને મલેશિયા મોકલી હતી. મનુના પિતાએ જણાવ્યું હતું કે, આરોપીઓમાંથી એક યુવક તેમની દીકરીને વારંવાર હેરાન કરતો હતો, આથી તેમણે દેવું લઈને પોતાની દીકરીને મલેશિયા મોકલી આપી હતી.

પરંતુ આરોપી તેમની દીકરીને મલેશિયામાં પણ હેરાન કરવા માંડ્યા હતા. જેની ફરિયાદ તેમણે બરનાલા પોલીસને કરી હતી, પરંતુ પોલીસે તેને ગંભારતાથી લીધી નહોતી. મનુએ પોતાની માતાને આરોપીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિશે વાત કરી હતી. મનુના પિતાએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ મનુના ફોટા સાથે છેડછાડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપતા હતા.

આ અંગે બરનાલાના SP ગુરદીપ સિંહે જણાવ્યું હતું કે, 2 આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી હજુ પણ ફરાર છે. જેમની વહેલીતકે ધરપકડ કરવામાં આવશે.

 

(11:54 am IST)