Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

૭.૭૫ ટકા વ્યાજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

દર મહિને એકાઉન્ટમાં જમા થશે વ્યાજ

નવી દિલ્હી તા. ૨૫  કેન્દ્ર સરકાર તમને ૭.૭૫ ટકા વ્યાજ આપવાની તૈયારી કરી રહી છે. દર મહિને તમારા ખાતાંમાં માસિક વ્યાજ જમા કરાવાશે, જેનો દરેક સામાન્ય ખાતાંધારક લાભ લઇ શકશે. તે માટે ફકત તમારે સરકારે પ્રસ્તાવિત કરેલી એક યોજનામાં રોકાણ કરવું પડશે.

કેન્દ્રીય પરિવહનપ્રધાન નિતીન ગડકરીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એક યોજના લાવવામાં આવી રહી છે જેમાં રોકાણથી સામાન્ય માનવીને ૭.૫ ટકા વ્યાજ મળશે, જેમાં મહિલાઓ અને ૬૦ વર્ષથી વધુની વય ધરાવતાં વૃદ્ઘોને ૭.૭૫ ટકા વ્યાજ મળશે. મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને સુરક્ષાદળના કર્મચારીઓ માટેના વ્યાજ દરને જોકે અંતિમ રુપ હજુ નથી અપાયું પણ તેની પર વાતચીત ચાલી રહી છે.

આ અંગે એનએચએઆઈ ટૂંકસમયમાં બોન્ડ લાવી રહી છે. આ બોન્ડ ૧૦ વર્ષ સુધી વ્યાજ આફશે અને વ્યાજ દર મહિને રોકાણકારના ખાતાંમાં મોકલવામાં આવશે.ગડકરીએ સૂચન કર્યું હતું કે સામાન્ય લોકો વધુ વ્યાજની લાલચમાં ચિટફંડમાં નાણાં ન રોકવા જોઇએ. એનએચએઆઈના બોન્ડ વધુ ફાયદો કરાવવા સાથે ઘણાં સુરક્ષિત પણ છે.

જે બોન્ડ બહાર પાડવામાં આવશે તે ટ્રીપલ એ રેટિંગ ધરાવતાં હશે, જેનાથી તેમાં નાણાં રોકનારને સુરક્ષા મળશે.હાલમાં બેંકો દ્વારા ૪થી ૬ ટકા વ્યાજ આપવામાં આવે છે. ત્યારે એનએચએઆઈ બોન્ડ વધુ ફાયદો કરાવશે. બીજીબાજુ બોન્ડ દ્વારા સરકારને મળનાર નાણાંનો ઉપયોગ દેશભરમાં રોડ નેટવર્ક વધારવાના કામમાં લઇ શકાશે.  ગડકરીએ અપીલ કરી હતી કે બોન્ડમાં રોકાણ કરવા સામાન્ય લોકોએ આગળ આવવું જોઇએ.

(3:15 pm IST)