Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બે દાયકા બાદ વિશ્વ આર્થિક મંચ પર હશે ભારતીય વડાપ્રધાન

સ્વિટ્ઝરલેન્ડમાં યોજાશે WEFનું વાર્ષિક શિખર સંમેલન : ગત વર્ષે ચીનના રાષ્ટ્રપતિ હતા ચીફ ગેસ્ટઃ છેલ્લે પી નરસિંહા રાવ અને દેવગૌડાએ લીધો હતો ભાગ

નવી દિલ્હી તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ વિશ્વ આર્થિક મંચ (WEF)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા દાવોસ પહોંચશે. ઠંડીમાં બરફથી ચાદરથી ઢંકાયેલા સ્વિટ્ઝરલેન્ડની આલ્પ્સ પર્વતમાળાની વચ્ચે નાના એવા સુંદર શહેર દાવોસમાં આવતા મહિને યોજાનારા આ વાર્ષિક સંમેલનમાં દુનિયાભરના રાજનેતા, ઉદ્યોગ જગતની દિગ્ગજ હસ્તીઓ, નીતિ નિર્માતા અને સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રના ગણમાન્ય લોકો ભાગ લેશે.

નરેન્દ્રભાઇ છેલ્લા બે દાયકામાં આ કાર્યક્રમમાં ભાગ લેનારા પહેલા ભારતીય પીએમ હશે. અધિકારી જણાવે છે કે, તે પહેલા ભારતીય પીએમ હશે જે ચીફ ગેસ્ટના રૂપમાં ભાગ લેશે. આ સંમેલનમાં ભારતનું પ્રભુત્વ જોવા મળશે, જયાં હજારો ભારતીય કંપનીઓના ચીફ અને પોલિસી મેકર જોવા મળશે.

એક અધિકારીએ જણાવ્યું કે, 'ભારતીય થીમ કેન્દ્રમાં હશે કેમકે ઘણા સત્રનું આયોજન ભારતને ધ્યાનમાં રાખીને કરાયું હશે.' ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દાવોસમાં મુખ્ય ભાષણ આપ્યું હતું, જયાં તેમણે વૈશ્વિક ઉઘોગપતિઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો અને સંરક્ષણવાદ ત્યાગવા માટે મજબૂત પિચ તૈયાર કરી હતી. હકીકતમાં, તેઓ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલા અમેરિકા તરફ તકાયેલું નિશાન હતું.

ગણતંત્ર દિવસ કાર્યક્રમને જોતા ભારતીય વડાપ્રધાનો જાન્યુઆરીમાં યોજાતા આ સંમેલનથી દૂર રહેતા આવ્યા છે, પરંતુ પીએમ મોદીએ જાન્યુઆરીમાં પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે દાવોસ જવાનો નિર્ણય કર્યો છે. કાર્યક્રમનું આયોજન ૨૩થી ૨૬મી જાન્યુઆરી વચ્ચે કરવામાં આવશે. પીએમ મોદી ભારત પાછા આવી ગણતંત્ર દિવસ પ્રસંગે આસિયાન દેશોના નેતાઓનું સ્વાગત કરશે, જે પછી સંસદમાં બજેટ સત્રની શરૂઆત થશે. આ પહેલા પી વી નરસિંહા રાવ અને એચ ડી દેવગૌડાએ દાવોસના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગત વખતની જેમ આ વખતે પણ ૩૦-૪૦ દેશના રાષ્ટ્ર અધ્યક્ષો તેમાં ભાગ લેશે. આ દરમિયાન ભારતની પાસે તક હશે કે તે પોતાની નીતિઓને બતાવી શકે.(૨૧.૭)

(11:36 am IST)